Get The App

અમદાવાદમાં લીવ-ઈનમાં રહેતી યુવતીની હત્યા કરી બોયફ્રેન્ડે આપઘાતનું તરકટ રચ્યું, પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લીવ-ઈનમાં રહેતી યુવતીની હત્યા કરી બોયફ્રેન્ડે આપઘાતનું તરકટ રચ્યું, પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ 1 - image


Ahmedabad Crime: ઘાટલોડિયામાં ઈન્ટિરીયર ડિઝાઇનર યુવતીની આત્મહત્યા મામલે નવો ખુલાસો થયો છે. હકીકતમાં યુવતીએ આત્મહત્યા નહોતી કરી પણ તેની સાથે લીવ-ઈનમાં રહેતા પ્રેમીએ જ તેની હત્યા કરી હતી. મૃતક યુવતી શિવાલીના ભાઈએ રૂબરૂ આવીને તપાસ કર્યા બાદ અને શિવાલી અને તેના પ્રેમી સૌરભ વચ્ચે અગાઉ થયેલા ઝઘડા અંગેની વિગતો જાહેર કરી હતી. આસામ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી એફ.આઈ.આર. મોકલતાં ઘાટલોડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રેમીએ કરી હત્યા

ઘાટલોડિયા વર્ધમાન નગરમાં શિવાલી કશ્યપ નામની યુવતીએ તેના ઘરના બાલ્કનીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની વિગતોની નોંધ કરી ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી હતી. મૂળ આસામની શિવાલી અમદાવાદમાં તે ઇન્ટિરીયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી અને બે વર્ષથી સૌરભ નામના યુવકના પ્રેમમાં હતી. ચાર મહિનાથી બન્ને લીવ-ઇનમાં રહેતા હતા. પરંતુ, બંનેના પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતો. ગત 10 જૂને રાત્રે બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ શિવાલીએ મોડીરાત્રે આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી.

આ પણ વાંચોઃ દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ, રોગચાળાનું કારણ જાણવામાં તંત્ર નિષ્ફળ

ભાઈએ નોંધાવી ફરિયાદ

ઘાટલોડિયા પોલીસે મૃતક શિવાલીના આસામમાં રહેતા પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં શિવાલીની હત્યા કરાયા અંગે તેના ભાઈ આશુતોષ બારૂઆહે આસામ પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપી તરીકે સૌરભ ગિરીરાજ પુરોહિત અને રંજના ગિરીરાજ પુરોહિતના નામ આપ્યાં છે. મૃતક શિવાલી અને સૌરભ રિલેશનશિપમાં હતા અને બન્ને પહેલી ઓગસ્ટે સગાઈ કરવાના હતા. 10 જૂને રાત્રે 10:30 વાગ્યે શિવાલીએ માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેનો સૌરભ સાથે ઝઘડો થઈ ગયો છે. ત્યારબાદ મોડીરાત્રે 1:04 વાગ્યે સૌરભે ફોન કરીને જાણ કરી હતી કે, શિવાલીનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, કપરાડામાં 4 ઇંચ, અતિભારે વરસાદની આગાહી

દિવાલ પર મળ્યા લોહીના ડાઘ

આસામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સૌરવે આ અગાઉ 16 માર્ચ 2024ના રોજ શિવાલી ઉપર હુમલો કરી માથામાં ઈજા કરી હતી. ત્યારબાદ 11 જૂનની મોડી રાત્રે પણ હુમલો કર્યો હતો અને શિવાલીનું અકસ્માતે મૃત્યુ થયાની જાણ ઘાટલોડિયા પોલીસને કરી હતી. પરંતુ, શિવાલીનો ભાઈ આશુતોષ અને ઘાટલોડિયા પોલીસ 12 જૂને જ્યાંથી શિવાલીનો મૃતદેહ મળ્યો તે ઘરમાં ગયા હતા, ત્યારે બેડરૂમના ફ્લોર અને દિવાલ ઉપર લોહીના ડાઘ જોવા મળ્યાં હતાં. શિવાલીનો મૃતદેહ માંડ 10-12 ફૂટ નીચે પહેલા માળના સ્લેબ ઉપરથી મળ્યો હતો. આટલી ઊંચાઈથી માથામાં ગંભીર ઈજા શક્ય નહોતી. જેથી, સૌરવ પુરોહિત અને તેની માતા રંજના પુરોહિતે શિવાલી કશ્યપની હત્યા કરાયાની ફરિયાદ આસામના નઝીરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આસામ પોલીસે ફરિયાદ મોકલી આપતાં ઘાટલોડિયા પોલીસે શિવાલીની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags :