રાજ્યમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતનાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ
Gujarat Rain Update : રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 89 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, તાપીના ડોલવણમાં 2.5 ઇંચ, ડાંગના સુબીર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉમરગામ અને ધરમપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
સાંજે 4 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (2 જુલાઈ, 2025) ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં સાંજે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે મંગળવારે વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: પાટીદાર નેતાઓએ બાંયો ચડાવી: ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવા માંગ, પાટણમાં મહાસંમેલનની તૈયારી
આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.
એનડીઆર અને એસડીઆરએફની ટીમ તૈનાત
ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
21 જળાશયો હાઇએલર્ટ
આ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીએ રિજયન વાઇઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇઍલર્ટ, 12 જળાશયો ઍલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે.