અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ફરી ઉડ્યા ધજાગરાઃ પટવા શેરીમાં કરાયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Late-Night Firing: ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જાહેરમાં હત્યા અને ગોળીબાર જેવી ઘટનાઓ રાજ્યમાં જાણે સામાન્ય બનતી જઈ રહી છે. આવી જ એક ઘટના અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી પટવા શેરીમાં બની હતી. શુક્રવારે (11 જુલાઈ) મોડીરાત્રે ઈટાલિયન બેકરી પાસે ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બે લોકોને ગોળી વાગી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રિયલ એસ્ટેટ સેક્ટર સાથે કથિત રીતે સંકળાયેલા ભાગીદારો ઝહુરુદ્દીન નાગોરી અને નઝીરખાન પઠાણ વચ્ચે પૈસાની લેતી-દેતીને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં આ વિવાદ હિંસક બની ગયો અને આરોપીએ પાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેમાં નઝીરખાન પઠાણ તેમજ ત્યાંથી પસાર થતા એક રાહદારીને ગોળી વાગી હતી. ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો, ઘટના બાદ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નાણાંકીય વિવાદના કારણે કર્યો હુમલો
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પ્રાથમિક ધોરણે આ વિવાદ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં નફાની વહેંચણી અને બાકી લેણાં અંગે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદોને કારણે ઊભો થયો હતો. ઝઘડો ત્યારે વકર્યો જ્યારે આરોપીએ કથિત રીતે હથિયાર કાઢીને ઝઘડાના સ્થળે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે, બનાવની જાણ થતાં તુરંત જ કારંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બેરિકેડ લગાવીને આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. આ સાથે જ ફોરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ માટે આજુબાજુના સીસીટીવી કેમેરાની સમીક્ષા શરૂ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z
ફરાર આરોપીની શોધખોળ
આ મામલે, આરોપી સામે ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી ઝહુરુદ્દીન નાગોરીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.