અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: હાઈકોર્ટે ત્રણ આરોપીના શરતી જામીન મંજૂર કર્યા, જુઓ શું મૂકી શરત
Khyati Hospital Scandal : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસે ડૉકટર સહિતના આરોપીની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડના 3 આરોપીને શરતી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જેમાં આરોપીને 10 હજારના બોન્ડ પર શરતી જામીન મળ્યા છે, ત્યારે મહિનામાં એક વખત આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી ફરજિયાત રહેશે.
ત્રણ આરોપીના શરતી જામીન મંજૂર
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટે ખ્યાતિકાંડના ત્રણ આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટના શરતી જામીન મંજૂર કર્યા છે.
આરોપીના જામીન મામલે NSUIએ વિરોધ નોંધાવ્યો
ખ્યાતિકાંડના ત્રણ આરોપીના જામીન મંજૂર કરાયા હોવાને લઈને NSUIએ વિરોધ નોંધાવ્યો છે. NSUI ના કાર્યકરોએ ખ્યાતિ હોસ્પિટલ બહાર બેનર લગાવીને દેખાવો કર્યો હતો. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને પ્રદર્શનકારીઓને હોસ્પિટલથી દૂર કર્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલ સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. આ ઘટના બાદ આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.