Get The App

'ખોટી રીતે કેસ કર્યો છે...' ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
'ખોટી રીતે કેસ કર્યો છે...' ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ 1 - image


Clash in Rajpipla: નર્મદા જિલ્લાના રાજપીપળાની કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજના આગેવાનો અને આપના કાર્યકરોએ આજે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંલાબેન અને વર્ષાબહેન સહિત, આપના આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરીએ ઘર્ષણ થયું હતું. જોકે પોલીસ સાથે બોલાચાલી બાદ કલેક્ટરની મંજૂરીથી આવેદન પત્ર આપવા માટે જવા દેવામાં આવ્યા હતા. 

'ખોટી રીતે કેસ કર્યો છે...' ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ 2 - image

સમાધાન નહીં, માફી નહીં: આપનું અડગ વલણ

બીજી તરફ સંજય વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવા માફી માંગે તો કેસ પાછો લેવા તૈયાર છું, જેના જવાબમાં ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'સંજયભાઈ સમાધાન પર આવ્યા છે, ચૈતરભાઈએ જેલ વેઠી છે. અમે સમાધાન કરવાના નથી, ચૈતર વસાવા કોઈની માફી માંગશે નહીં.' તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'એ લોકો પાસે કોઈ પુરાવા જ નથી, સીસીટીવી ફૂટેજ જાહેર કરે. ચૈતરભાઈ સાચા છે, માફી નહીં માગે.' આ નિવેદનો દર્શાવે છે કે AAP આ મામલે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને વસાવાને નિર્દોષ સાબિત કરવા અડગ છે..


મીડિયા સાથે વાત કરતાં વર્ષા વસાવાએ જણાવ્યું હતું કે, 'અમારી રેલી પર 144 લગાવવામાં આવી, જ્યારે ભાજપની રેલીઓ નીકળે છે ત્યારે કોઈના પર ગુના દાખલ કરવામાં આવ્યા નથી. પોલીસ પણ રાજકીય રૂપ પકડીને ચાલે છે. પોલીસ એકતરફી કામ કરે છે, પોલીસ ભાજપની છે એટલે ભાજપનું જ કામ કરે છે.' આ નિવેદનો દ્વારા તેમણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને રાજકીય પ્રેરિત ગણાવી હતી.

આગામી સમયમાં જેલભરો આંદોલનની ચીમકી

આક્રોશ વ્યક્ત કરતાં AAPના કાર્યકરોએ ચેતવણી ઉચ્ચારી હતી કે, 'આગામી દિવસોમાં જેલભરો આંદોલન કરવા તૈયાર છીએ. જો આ કેસમાં યોગ્ય ન્યાય નહીં મળે તો AAP વધુ મોટા પાયે આંદોલન છેડવા તૈયાર છે. આ ઘટનાક્રમ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો લાવી શકે છે.

ચૈતર વસાવાની ગેરકાયદે ધરપકડ કરનારા સામે કાર્યવાહીની માગ

ચૈતર વસાવા હંમેશા લોકો માટે અવાજ ઉઠાવશે અને પ્રજાલક્ષી કામ કરતાં રહેશે. તો આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માંગ કરી હતી કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે તેને રોકવામાં આવે અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદે ધરપકડ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે.
'ખોટી રીતે કેસ કર્યો છે...' ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ 3 - image

ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેરવર્તણૂક

તારીખ 5 જુલાઈના રોજ બપોરે 12:00 વાગે એટીવીટી યોજના જોગવાઈ હેઠળના આગોતરા આયોજનના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગમાં કમિટીના સભ્ય સિવાયના ત્રણ જેટલા લોકો હાજર રહ્યા હતા અને તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેરવર્તણૂક કરી હતી. આ ઘટનાને પગલે ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવા ગયા હતા, પરંતુ ડેડિયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની જ અટકાયત કરી અને ખોટા ખોટા આરોપો લગાવીને ફસાવી દીધા હતા. ચોંકાવનારી બાબત એ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા પોતે ફરિયાદ દાખલ કરવા ગયા હતા તેમ છતાં પણ તેમની ફરિયાદ પર કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરીને ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે.

ખોટા કેસો કરવામાં આવ્યા હોવાનો આરોપ

આ અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવા પર અનેક ખોટા કેસો કરવામાં આવ્યા છે અને એમને જેલમાં પણ મોકલવામાં આવ્યા છે. પરંતુ તેઓ ક્યારે પણ સરકારની આવી ષડયંત્રકારી રાજનીતિથી ડરીને પીછેહટ કરતા નથી. તેઓ હંમેશા લોકો માટે અવાજ ઉઠાવે છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું અને અબજો રૂપિયાના કૌભાંડોમાં સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બંને દીકરાઓ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના દીકરાઓ તથા તેમના સાગરીતોની સંડવણી સામે આવી અને હાલ તેઓ જેલમાં છે. આ તપાસને અટકાવવાના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. 

'ખોટી રીતે કેસ કર્યો છે...' ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ 4 - image

આ કેસ કરનારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આમ આદમી પાર્ટીની, આદિવાસી સમાજની તથા અન્ય તમામ સમાજની માંગણી છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી આ મુદ્દા પર તાત્કાલિક ધોરણે પગલા ભરશે અને ગુજરાતમાં ન્યાયની સ્થાપના કરશે. 

Tags :