Gujarat

અમદાવાદ: માણેકચોકમાં ધોળા દિવસે વેપારીની બેગની ચેન ખોલી ₹9.61 લાખના દાગીનાની ચોરી, ઘટના CCTV કેમેરામાં કેદ

By GS TEAM
31 May 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા પૂર્વ વિસ્તારના બજારોમાં ધોળા દિવસે ચોરી કરતી ગેંગ આતંક મચાવી રહી છે. માણેકચોક અને રતનપોળ વિસ્તારમાં સતત બીજી વખત એક જ મોડસ ઓપરેન્ડીથી દાગીનાની ચોરી થયાની ઘટના સામે આવી છે. રસ્તા પર ચાલતા જતા એક જ્વેલરીના વેપારીની નજર ચૂકવી, પાછળથી આવેલા બે શખસોએ તેની પીઠ પર ભરાવેલી બેગની ચેન ખોલી નાખી હતી. લૂંટારાઓ બેગમાં બોક્સમાં રાખેલા પરિવારના અને પેઢીના અંદાજે 9.61 રૂપિયાથી વધુની કિંમતના સોના અને પ્લેટિનમના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બજારના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: માણેકચોકમાં ધોળા દિવસે વેપારીની બેગની ચેન ખોલી ₹9.61 લાખના દાગીનાની ચોરી, ઘટના CCTV કેમેરામાં કેદ

Jewellery Theft In Manek Chowk Ahmedabad: અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા પૂર્વ વિસ્તારના બજારોમાં ધોળા દિવસે ચોરી કરતી ગેંગ આતંક મચાવી રહી છે. માણેકચોક અને રતનપોળ વિસ્તારમાં સતત બીજી વખત એક જ મોડસ ઓપરેન્ડીથી દાગીનાની ચોરી થયાની ઘટના સામે આવી છે. રસ્તા પર ચાલતા જતા એક જ્વેલરીના વેપારીની નજર ચૂકવી, પાછળથી આવેલા બે શખસોએ તેની પીઠ પર ભરાવેલી બેગની ચેન ખોલી નાખી હતી. લૂંટારાઓ બેગમાં બોક્સમાં રાખેલા પરિવારના અને પેઢીના અંદાજે 9.61 રૂપિયાથી વધુની કિંમતના સોના અને પ્લેટિનમના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બજારના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

29મી મેના રોજ ધોળા દિવસે બની ઘટના

મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા અને જ્વેલર્સનો વ્યવસાય કરતા 43 વર્ષીય ભાવેશ પટેલ સાથે આ ઘટના બની છે. ગત 29મી મેના રોજ બપોરે ભાવેશ પટેલ પરિવારના તેમજ જ્વેલર્સની પેઢીના દાગીના રિપેરિંગ કામ અર્થે આપવા માટે માણેકચોક જવા નીકળ્યા હતા. તે ઘરેથી નીકળીને પહેલા રતનપોળમાં આવેલી શેઠની પોળ ખાતે તેમના એક મિત્રને તેની ઓફિસે મળવા ગયા હતા. મિત્રને મળીને બપોરે આશરે 1:45 વાગ્યાની આસપાસ તે રતનપોળથી ચાલતા ચાલતા માણેકચોક જવા રવાના થયા હતા. ત્યારે બપોરે 2:15 વાગ્યે જ્યારે તેઓ માણેકચોક પહોંચ્યા ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા શખસે તેને ટોક્યા હતા કે તમારી બેગની ચેન ખુલ્લી છે. ભાવેશ પટલે તાત્કાલિક બેગ તપાસતા અંદરથી દાગીના ભરેલું પ્લાસ્ટિકનું બોક્સ ગાયબ હતું.

આ પણ  વાંચો: CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિયો

CCTV ફૂટેજમાં ચોર ગેંગની કરતૂત થઈ લાઈવ

ચોરીની આ સમગ્ર ઘટના માણેકચોક બજારમાં અલગ-અલગ દુકાનોની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વેપારી ભાવેશ પટેલના ખભે બેગ ભરાવીને સામાન્ય રીતે ચાલતા ચાલતા જઈ રહ્યા છે. તેની પાછળ બે શખસો ખૂબ જ નજીક આવીને પીછો કરી રહ્યા છે. ભીડભાડનો લાભ ઉઠાવીને એક શખસ  અત્યંત આસાનીથી વેપારીની બેગની ચેન ખોલી નાખે છે અને ત્યારબાદ તે હળવેથી અંદર હાથ નાખીને દાગીના ભરેલું પ્લાસ્ટિકનું બોક્સ સેરવી લે છે અને બંને શખસો ત્યાંથી ગાયબ થઈ જાય છે.

વેપારી ભાવેશ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકના બોક્સની અંદર  કિંમતી દાગીના રાખવામાં આવ્યા હતા, જેમ કે, ભાવેશ પટેલની માતા ગૌરીબહેનની 25 ગ્રામની સોનાની તુલસીમાળા, પત્નીનો 15.5 ગ્રામનો સોનાનો હાથપંજો, 6.5 ગ્રામની લાલ નંગવાળી સોનાની વીંટી, સાળીનું 11 ગ્રામનું સોનાનું બ્રેસલેટ અને જ્વેલર્સ પેઢીની 80થી 90 નંગ જેટલી સોનાની ચૂનીઓ અને પ્લેટિનમ ધાતુનું 3.5 ગ્રામનું એક પેન્ડલ હતું.

ધોળા દિવસે ધોધમાર જનમેદની વચ્ચે થયેલી આ ચોરીને પગલે સ્થાનિક વેપારી આલમમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસે વેપારી ભાવેશ પટેલની ફરિયાદના આધારે આશરે 9.61 લાખ રૂપિયાની ચોરીનો ગુનો દાખલ કર્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે આ ચોરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કામે લાગી છે.