Ahmedabad News: અમદાવાદના કુબેરનગરના આઝાદ મેદાન પાસે આવેલા કમલ કોમ્પલેક્સમાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પારિવારિક ઝઘડાના કારણે એક યુવકે પોતાની પત્ની અને સાસુને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં પતિએ જ પત્ની અને સાસુને પેટ્રોલ નાખી સળગાવી નાખતા બંને ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવર પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે સાસુ ગંભીર હાલતમાં છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી અશોક રાજપૂતની ધરપકડ કરી લીધી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કુબેરનગરના કાળી મતી વિસ્તારમાં કિશોર સ્કૂલ પાછળ રહેતો અશોક બાબુભાઈ રાજપૂત તેના સાસરી પક્ષ સાથેના ઝઘડાને લઈને ગુસ્સે હતો. મંગળવારે સાંજે લગભગ 6:15 વાગ્યે તે તેની પત્નીના કાકી દ્વારા સંચાલિત ઉષા બ્યુટી પાર્લરમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે તેની 32 વર્ષીય પત્ની જયા અને 52 વર્ષીય સાસુ શોભનાબેન પર પેટ્રોલ છાંટ્યું અને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને અંજામ આપીને તે તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો
આસપાસના લોકોએ આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી, જ્યારે સ્થાનિક લોકોએ બંને ગંભીર રીતે દાઝેલી મહિલાઓને તાત્કાલિક અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, બંને પીડિતાઓ ગંભીર રીતે દાઝી જતાં બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ટૂકી સારવાર બાદ 32 વર્ષીય પત્ની જયાનું મોત નીપજ્યું હતું, જ્યારે શોભનાબેનની હાલત ગંભીર છે.

આ અંગે જયાના ભાઈ નીલેશ ધરમદાસ બચાનીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, જયા અને અશોકના લગ્ન આ વર્ષે એપ્રિલ મહિનામાં થયા હતા, પરંતુ લગ્ન બાદ સતત ઝઘડાઓને કારણે બંને અલગ રહેતા હતા. 15 દિવસ પહેલાં બંને વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ એક અઠવાડિયા પહેલાં ફરીથી ઝઘડો થતાં જયા તેના પિયર પાછી આવી ગઈ હતી.

સરદારનગર પોલીસે આરોપી અશોક બાબુભાઈ રાજપૂતની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ સાક્ષીના નિવેદનો પણ નોંધી રહી છે.


