વિનામૂલ્યે મળતાં સરકારી શાળાના પુસ્તકો પસ્તીમાં? અમદાવાદમાં કોંગ્રેસ-AAPએ કર્યો કૌભાંડનો પર્દાફાશ
Textbook Truck Seized In Ahmedabad: એક તરફ રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોનો અભાવ સતાવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાંથી સરકારી શાળાઓને વિનામૂલ્યે અપાતાં નવા પુસ્તકો ભરેલી એક ટ્રક ઝડપાઈ છે. આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સંયુક્ત રીતે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ પુસ્તકો પંજાબ સગેવગે કરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેના પગલે શિક્ષણ વિભાગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના આદેશ આપ્યા છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી એક શાળામાંથી રાજ્ય સરકારના નવા પુસ્તકો ટ્રક મારફતે અન્ય રાજ્યમાં સગેવગે કરાઈ રહ્યા હતા. છેલ્લા 3 દિવસથી ચાલતી આ ગોબાચારીની જાણ AAP અને કોંગ્રેસના કાર્યકર્તાઓને થઈ હતી. જેથી આજે વોચ રાખી કાર્યકર્તાઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને વિવિધ ધોરણના પુસ્તકો ભરેલી બે ટ્રકને ઝડપી પાડી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રક ચાલકની પૂછપરછ કરી, ત્યારે તેણે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ પુસ્તકો ભરેલી ટ્રક પંજાબ જઈ રહી હતી, જ્યાં કેટલાક શખશો દ્વારા આ નવા પુસ્તકોને ભંગારના ગોડાઉનમાં પસ્તી તરીકે વેચવાનો પ્લાન હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રક ઝડપી પાડ્યા બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
અગાઉ પણ આવા કૌભાંડ સામે આવ્યા છે
નોંધનીય છે કે, આ પહેલો કિસ્સો નથી. બે દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના માલપુર સ્થિત એક ભંગારના વેપારીને ત્યાંથી ધોરણ 1થી 8 ના 5000 જેટલા સરકારી પાઠ્ય પુસ્તકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ આ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદ્યો હતો. આ મામલે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
આ ઘટના દર્શાવે છે કે, સરકારી પુસ્તકોના વિતરણ અને વ્યવસ્થાપનમાં ગંભીર ક્ષતિઓ છે, જેને કારણે વિદ્યાર્થીઓને પુસ્તકોનો અભાવ વેઠવો પડે છે અને બીજી તરફ નવા પુસ્તકો પસ્તીમાં વેચાઈ રહ્યા છે. આ મામલે સઘન તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઊભી થઈ રહી છે.