જામનગરમાં કોંગ્રેસનો 'પાટા-પીંડી' વિરોધ, મહીસાગર બ્રિજ દુર્ઘટનાના મુદ્દે ભાજપ સરકારને ઘેરી
Jamnagar News: વડોદરા નજીક મહીસાગર નદી પર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પડઘા હવે જામનગર સુધી પહોંચ્યા છે. આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર પર વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કોંગી કાર્યકરો પાટા-પીંડી બાંધીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પૈકી 15 કાર્યકરોની અટકાયત કરી હતી, જોકે બાદમાં તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ
કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સરકારના શાસનકાળમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના કારણે નિર્દોષ પ્રજાને ટેક્સ અને જીવ બંને ગુમાવવા પડે છે. મહીસાગર બ્રિજ દુર્ઘટનાને આ ભ્રષ્ટાચારના સીધા પરિણામ તરીકે દર્શાવવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન, કાર્યકરોએ પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાટા-પીંડી સાથે વિરોધ
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ કોંગી કોર્પોરેટરો અને કાર્યકરો લાલ બંગલા સર્કલ ખાતે એકઠા થયા હતા. વિરોધને વધુ અસરકારક બનાવવા માટે, કેટલાક કાર્યકરોએ પોતાના શરીરે પાટા-પીંડી બાંધીને માર્ગ પર ઉતરીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને મુક્તિ
પ્રદર્શનની જાણ થતા જ સિટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 15 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. જોકે, થોડા સમય બાદ આ તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શને મહીસાગર બ્રિજ દુર્ઘટનાને લઈને રાજ્યભરમાં ફેલાયેલા રોષને વધુ વેગ આપ્યો છે.