Get The App

અમદાવાદમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ત્રણના મોત, નિકોલ, ઓઢવ અને દરિયાપુરમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ત્રણના મોત, નિકોલ, ઓઢવ અને દરિયાપુરમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા 1 - image


Ahmedabad Rain : સ્માર્ટ સિટી અમદાવાદ એક દિવસમાં બે-ચાર ઇંચ વરસાદ ખમી શકે તેટલી વ્યવસ્થા પણ મ્યુનિ. તંત્ર દ્વારા કરાઈ નથી. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ મ્યુનિ.ની ધોર બેદરકારીના લીધે નિકોલ, દરિયાપુર અને ઓઢવમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે શહેરીજનો માટે રસ્તા પર મોતના કૂવા બનાવનાર જવાબદાર અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવા તેમજ તેમના પરિવારને યોગ્ય વળતર આપવા વિપક્ષ નેતા દ્વારા માંગ કરાઈ છે. 

અમદાવાદના પૂર્વમાં બુધવારે સાંજે ખાબકેલા બે-ચાર ઇંચ વરસાદમાં જ શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માર્ગો જળબંબાકાર, ઉપરાંત ચોમાસા ટાણે જ આડેધડ કરાયેલા ખોદકામના લીધે ઓઢવમાં ટુ-વ્હીલર ખાડામાં ગરક થતાં ચાલકનું મોત થયું હતું, જ્યારે ગત અઠવાડિયે પડેલા વરસાદમાં દરિયાપુરની દૂધવાળી પોળમાં સ્ટ્રીટ લાઇટના ખુલ્લા વાયરના કારણે કરંટ લાગતા એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. 

આ પણ વાંચો: જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ, 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકામાં ધડબડાટી બોલાવી

આ ઉપરાંત પ્રથમ વરસાદમાં જ નિકોલના મધુમાલતી આવાસમાં પાણી ભરાતાં એમ્બ્યુલન્સ અંદર જઈ શકી નહોતી. જેથી સમયસર સારવાર નહીં મળતા દર્દીનું મોત થયું હતું. હજી તો ચોમાસાની શરુઆત છે. આગામી દિવસોમાં મ્યુનિ.ની બેદરકારી ન જાણે કેટલાનો ભોગ લેશે? તે અંગે શહેરીજનો ચિંતામાં મૂકાયા છે.

ઉપરાંત ઊંચા-નીચા રસ્તાના લીધે સંખ્યાબંધ મકાનો, દુકાનોમાં પાણી ઘુસી જતાં લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી માહોલમાં ખુશ થવાના બદલે હવે લોકો જીવનું જોખમ અનુભવે છે. પાંચ-સાત ઇંચ વરસાદ એકસાથે વરસી જાય એટલે લોકોમાં રીતસર ભયમાં મૂકાઈ જાય છે. ફક્ત નિકોલ જેવા વિસ્તારો જ નહીં, શહેરના આંતરિક વિસ્તારોમાં પણ ખરાબ સ્થિતિ છે. આવી જીવલેણ ઘટનાઓ કુદરતી નહીં પણ મ્યુનિ. સર્જિત હોઈ જવાબદાર અધિકારીઓ સામે એફઆઇઆર કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિપક્ષ નેતા દ્વારા માંગ કરાઈ છે. 

Tags :