રાજ્યના 12 ટકા મતદારો ધરાવતા અમદાવાદમાં 10 લાખથી વધુ વોટર્સનો 'પત્તો' મળતો નથી

Ahmedabad Voters: અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સધન સુધારણા ઝૂંબેશ હેઠળની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 'અનમેપ્ડ' રહેલા 10,43,427 મતદારોના પુરાવા એકત્ર કરવા આગામી 16મી ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઇવ યોજાશે.
કુલ મતદારો અને પરત ફોર્મની સ્થિતિ
અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના 12 ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 62,59,620 મતદારો પૈકી 47,01,386 મતદારોના એન્યુમરેશન ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે કુલ 14,58,269 મતદારોના ફોર્મ એએસડી એટલે કે મૃત્યુ પામેલા, ગેરહાજર, કાયમી ધોરણે સ્થળાંતરિત અને અન્ય કારણોસર પરત જમા થયા નથી.
બીજી તરફ, અનમેપ્ડ રહેલા 10,43,427 મતદારોની યાદી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ માટે તા. 16મી ડિસેમ્બર સુધી બીએલઓ દ્વારા વિશેષ ડ્રાઇવ હેઠળ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ કલેક્ટર કચેરી સહિત જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે ખાસ મતદાર સહાયતા કેન્દ્રો પણ ઊભાં કરવામાં આવ્યાં છે. આગામી 19મી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવશે, જે આ તમામ કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે અને મતદારો પોતાના વાંધાઓ તથા હક-દાવાઓ રજૂ કરી શકશે.

