Get The App

અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શંકા!

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શંકા! 1 - image

Ahmedabad Cyber Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ઓનલાઇન ફોરેક્સ અને ક્રિપ્ટોકરન્સી રોકાણના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર પોલીસે આ બોગસ રોકાણ પ્લેટફોર્મ 'WinProFX' ચલાવવા અને તેનું પ્રમોશન કરવા બદલ બિહારના 26 વર્ષીય કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ યુવકની ધરપકડ કરી છે. આ પ્લેટફોર્મ દ્વારા અમદાવાદના યુવક સાથે ઊંચા વળતરની લાલચ આપીને 19 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી.

ટેકનિકલ તપાસ અને મની ટ્રેલના આધારે ધરપકડ

સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ ફૂટપ્રિન્ટ એનાલિસિસ, કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR), ક્રિપ્ટોકરન્સી વોલેટ ટ્રેકિંગ અને બેન્ક એકાઉન્ટના મની ટ્રેલના આધારે તકનીકી તપાસ હાથ ધરી હતી. જેના આધારે બિહારના બેગુસરાયના રહેવાસી અને કમ્પ્યુટર સાયન્સમાં B.Tech થયેલા કુમાર મંગલમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સર્ચ દરમિયાન આરોપી પાસેથી એક iPhone, iPad અને MacBook જપ્ત કરવામાં આવ્યા છે, જેને ફોરેન્સિક લેબમાં મોકલાયા છે.

જાહેરાતો બતાવીને ડેશબોર્ડ પર કાલ્પનિક નફો દર્શાવતા

મળતી માહિતી અનુસાર, પીડિત યુવકને ફોરેક્સ ટ્રેડિંગ દ્વારા આકર્ષક અને ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની જાહેરાત કરતા પ્રમોશનલ વીડિયો બતાવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. પીડિત રોકાણકારને 'WinProFX' પ્લેટફોર્મ પર USDT (ડિજિટલ કરન્સી) ના રૂપમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા માટે સમજાવવામાં આવ્યો હતો. રોકાણકારનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓ પ્લેટફોર્મના યુઝર ડેશબોર્ડ પર કાલ્પનિક (ખોટો) નફો પ્રદર્શિત કરતા હતા. આ માયાજાળમાં ફસાઈને ફરિયાદીએ કુલ 19.07 લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું હતું. જો કે, જ્યારે તેમણે મૂળ રકમ કે નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વિડ્રો થઈ શક્યો નહોતો અને પ્લેટફોર્મના સંચાલકોએ સંપર્ક કાપી નાખ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સનાથલની સીમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા

100 દેશોમાં ફેલાયેલું નેટવર્ક 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે WinProfx.com વેબસાઇટ પોતાને સોનું, ચાંદી, કોમોડિટીઝ, સ્ટોક ઇન્ડેક્સ અને ડિજિટલ એસેટ્સમાં રોકાણ ઓફર કરતું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ગણાવતું હતું. આ પ્લેટફોર્મ સેન્ટ લુસિયામાં નોંધાયેલું હોવાનો દાવો કરતું હતું, પરંતુ ભારતમાં કામ કરવા માટે તેની પાસે કોઈ મંજૂરી નહોતી. પ્રારંભિક તપાસ મુજબ, આ બોગસ પ્લેટફોર્મ પર ભારત, UAE, પાકિસ્તાન, US, બાંગ્લાદેશ, વિયેતનામ, અફઘાનિસ્તાન અને UK સહિત વિશ્વના લગભગ 100 દેશોના 1.93 લાખ લોકો રજિસ્ટર્ડ હતા, જેમની પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયા હોવાની શંકા છે.

હરિયાણાના મ્યુલ એકાઉન્ટ્સ અને પાકિસ્તાની લિંક

સાયબર સેલના અધિકારીઓએ રોકાણકારોના ભંડોળ મેળવવા માટે ઉપયોગમાં લેવાતા અનેક બેન્ક ખાતાઓ શોધી કાઢ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આમાંના કેટલાક એકાઉન્ટ્સ હરિયાણામાં બેન્કમાં ખોલવામાં આવેલા 'મ્યુલ એકાઉન્ટ્સ' હતા. આ ખાતાઓ સાથે જોડાયેલી અનેક છેતરપિંડીની ફરિયાદો અગાઉથી જ 'ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) પોર્ટલ પર નોંધાયેલી છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ પ્લેટફોર્મના મુખ્ય માલિકો અને સંચાલકોના તાર એક પાકિસ્તાની નાગરિક સાથે જોડાયેલા હોવાના પ્રારંભિક પુરાવા મળ્યા છે. જો કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

BNS અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની છેતરપિંડી, ગુનાઈત કાવતરું, સંગઠિત ગુનાખોરી અને માહિતી ટેકનોલોજી (IT) એક્ટની સંબંધિત કલમો હેઠળ FIR નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી કુમાર મંગલમ આ વેબસાઇટ ડેવલપ કરવા, પ્રમોશનલ વીડિયો બનાવવા અને રેફરલ પ્રોગ્રામનું સંચાલન કરી કમિશન મેળવતો હોવાનું સાબિત થયું છે. પોલીસ આ સંગઠિત નેટવર્કના અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.