Get The App

અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને 'હિપ્નોટાઇઝ' કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડપાયો

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને 'હિપ્નોટાઇઝ' કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડપાયો 1 - image


Ahmedabad Crime: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધાને પોતાની વાતોમાં ફસાવી, ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન (Hypnotism) કરી સોનાના દાગીના ચોરી જનાર 21 વર્ષીય યુવકની ઝોન-7 એલસીબી (LCB) એ ધરપકડ કરી છે. આ ટોળકી ધાર્મિક આસ્થાનો સહારો લઈને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, 23મી નવેમ્બર 2025ના રોજ વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધા મંદિર જઈ રહ્યા હતા, ત્યારે બે શખસોએ તેને રસ્તામાં અટકાવ્યા હતા. આ શખસોએ પોતાની ઓળખ ખોડિયાર માતાજી અને કાળકા માતાજીના સેવકો તરીકે આપી હતી અને ખોડિયાર માતાજીના મંદિરનું સરનામું પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી.

શરૂઆતમાં આ શખસોએ વૃદ્ધા પાસે એક રૂપિયો માંગ્યો હતો અને બદલામાં તેમને 100 રૂપિયા આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ, માતાજીના નામે વિધિ કરવાનું કહી વૃદ્ધા પર સંમોહનનો પ્રયોગ કર્યો હતો. આ શખસોની વાતોમાં આવી ગયેલા વૃદ્ધાએ પોતાની સોનાની બંગડી ઉતારી તેમને આપી દીધી હતી, જે લઈને બંને શખસો પલાયન થઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ કે 'ખાડાબાદ'?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ 'બાન'માં

LCB ઝોન-7ની કાર્યવાહી અને ધરપકડ

વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, ઝોન-7 એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સુનીલનાથ ચૌહાણ ઉર્ફે મદારી (21)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપી પાસેથી 13.160 ગ્રામ સોનાની બંગડી (કિંમત 1 લાખ રૂપિયા) અને સોનાની ચેન સહિત કુલ 1.8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ બીજો શખસ, પવનનાથ ઠાકોરનાથ ચૌહાણ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ સુનીલનાથ ચૌહાણ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પીપાવાવ (અમરેલી), વડનગર (મહેસાણા), ઉના (ગીર સોમનાથ) અને દહેગામમાં છેતરપિંડી અને ચોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ટોળકી અગાઉ પણ અનેક લોકોને આ જ રીતે શિકાર બનાવી ચૂકી હોવાની આશંકા છે. રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ધાર્મિક વિધિ કે આશીર્વાદના નામે કિંમતી વસ્તુઓ માંગે તો તરત જ પોલીસનો સંપર્ક કરો.