Ahmedabad Crime News: અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મકરબા વિસ્તારમાં પુત્રએ મિલકત વિવાદમાં માતાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. આરોપી પુત્ર સામે ગુનો નોધી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, શુક્રવારે (30મી જાન્યુઆરી) સરખેજમાં પ્રેમ પ્રકરણ અને અદાવતમાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.
પૈસા માટે દીકરાએ માતાનું ઢીમ ઢાળી દીધું
મળતી માહિતી અનુસાર શહેરના મકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનોમાં રહેતા કપિલાબેન દેવીપૂજક અને તેમના પુત્ર અજય વચ્ચે ઘરની માલિકીને લઈને લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો. ત્યારે 30મી જાન્યુઆરીની મોડી રાત્રે અજયે તેની માતા પાસે ઘરના બદલામાં પૈસાની માંગણી કરી હતી. કપિલાબેને પૈસા આપવાની સ્પષ્ટ ના પાડતા અજય ઉશ્કેરાયો હતો અને આવેશમાં આવી લાકડાના દંડા વડે માતાના માથામાં અનેક ફટકા માર્યા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત કપિલાબેનનું મોત નીપજ્યું હતું. આનંદનગર પોલીસે કાર્યવાહી કરી આરોપી પુત્ર અજયની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં કારચાલકે એક્ટિવા પર જતા દંપતીને ટક્કર મારતા બ્રિજ પરથી પટકાતા મોત
પત્નીના પૂર્વ પતિએ વર્તમાન પતિની હત્યા કરી
ઉલ્લેખનીય છે કે, સરખેજ વિસ્તારમાં પત્નીના પૂર્વ પતિએ જ વર્તમાન પતિની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. શુક્રવારે (30મી જાન્યુઆરી) સરખેજ-ફતેવાડી RCC રોડ પર આવેલા હમીદાનગર નજીક જડી ખાલાની કીટલી પાસે આ લોહીયાળ ઘટના બની હતી. 32 વર્ષીય આમિર મુકીમ શેખ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે આમિરને શરીરના ભાગે અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને ટૂંક સમયમાં જ તેનું મોત નિપજ્યું હતું. આ મામલે આરોપીની ઓળખ 52 વર્ષીય જાફર જમની પઠાણની ધરપકડ કરી હતી.


