પ્રતિકાત્મક તસવીર |
Ahmedabad balol nagar Accident News : અમદાવાદમાં એક કરુણ ઘટના સામે આવી છે. અહીં રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર ખાતે બ્રિજ પરથી એક્ટિવા પર પસાર થતા દંપતીને એક કારચાલકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દંપતી બ્રિજ પરથી નીચે પટકાતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અમદાવાદના રાણીપ વિસ્તારમાં શુક્રવારની રાત્રે બનેલી હૃદયદ્રાવક અકસ્માતની ઘટનાએ શહેરના બ્રિજોની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં એક્ટિવા પર જઈ રહેલા દંપતીને કારે ટક્કર મારતા યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું છે.


મોડી રાતે બની ઘટના
માહિતી અનુસાર આ ઘટના મોડી રાતે બની હતી. જ્યારે બલોલનગર બ્રિજ પરથી એક્ટિવા પર સવાર થઇ દંપતી જઈ રહ્યું હતું તે સમયે જ એક પૂરપાટ ઝડપે દોડતી કારે પાછળથી તેમને ટક્કર મારી હતી જેના પગલે બ્રિજ પરથી દંપતી નીચે પટકાયું હતું. જેમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને હોસ્પિટલ પહોંચાડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ કરુણ મોત નીપજ્યું. આ મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધોળા દિવસે નહીં, પણ મધરાતે ખેલાયો લોહીયાળ ખેલ
શુક્રવારે રાત્રે આશરે 11:30 વાગ્યે 28 વર્ષીય કિશન સુનીલભાઈ વાછેટા તેની પત્ની કોમલબેન સાથે એક્ટિવા પર બલોલનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કિશન બ્રિજ પરથી સીધો નીચે જમીન પર પટકાયો હતો અને મૃત્યુ પામી ગયો હતો.
તંત્રની બેદરકારી સામે મિત્રનો આક્રોશ
મૃતકના મિત્ર અપૂર્વ પરમારે તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, "જો બ્રિજ પર પ્રોપર સાઈડ રેલિંગ કે સેફ્ટી બેરિયર હોત તો કિશન નીચે ન પટકાયો હોત". તેમણે SG હાઈવેના બ્રિજોનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં સુરક્ષા માટે રેલિંગ છે, તો રાણીપ બ્રિજ પર કેમ નહીં?. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે બ્રિજ પર લાગેલા CCTV કેમેરા બંધ હાલતમાં છે, જેના કારણે આરોપીને પકડવામાં મુશ્કેલી પડી રહી છે.
પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી
ટ્રાફિક પોલીસની 'L' ડિવિઝન ટીમે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. શનિવારે એક્સિડન્ટ રિસર્ચ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ રેશ ડ્રાઇવિંગ અને બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો નોંધી ફરાર કારચાલકની શોધખોળ તેજ કરી છે.
સીટી સિવિલ હોસ્પિટલમાં પત્નીનું મોત
અકસ્માતમાં કિશનની પત્ની કોમલબેનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૃત્યુ પામ્યા. એક પરિવારની ખુશીઓને પૂરપાટ ઝડપે આવતી કારે પળભરમાં વિખેરી નાખી છે, ત્યારે સ્થાનિકો હવે બ્રિજ પર વહેલી તકે સેફ્ટી રેલિંગ લગાવવાની માંગ કરી રહ્યા છે.


