Gujarat

અમદાવાદ: પોલીસ વાન આડે ઊભા રહી દાદાગીરી કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો, સાથીદારને પણ સકંજામાં લેવાની તજવીજ

By GS TEAM
14 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નરોડા પાટિયા નજીક બે માથાભારે શખ્સો દ્વારા પોલીસ વાહનને રસ્તા વચ્ચે અટકાવીને અંદર બેઠેલા પોલીસકર્મીઓ સાથે દાદાગીરી અને ધાકધમકી કરવામાં આવી હતી. આ ઘટના 9 અને 10 જૂનની મધ્યરાત્રિએ પેટ્રોલિંગ અને પોઈન્ટ ચેકિંગ દરમિયાન બની હતી. આ ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે SRPFની ગાડી રોકી દાદાગીરી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બીજો આરોપી ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પોલીસ વાન આડે ઊભા રહી દાદાગીરી કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો, સાથીદારને પણ સકંજામાં લેવાની તજવીજ

Ahmedabad Police and Crime News: અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નરોડા પાટિયા નજીક બે માથાભારે શખ્સો દ્વારા પોલીસ વાહનને રસ્તા વચ્ચે અટકાવીને અંદર બેઠેલા પોલીસકર્મીઓ સાથે દાદાગીરી અને ધાકધમકી કરવામાં આવી હતી. આ ઘટના 9 અને 10 જૂનની મધ્યરાત્રિએ પેટ્રોલિંગ અને પોઈન્ટ ચેકિંગ દરમિયાન બની હતી. આ ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે SRPFની ગાડી રોકી દાદાગીરી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય બીજો આરોપી ફરાર છે.

વાઈરલ વીડિયોમાં શું છે?

વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક ચાલુ પીસીઆર વાનની આગળ આવીને તેને રોકવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં, ડ્રાઈવરની બારી પાસે જઈને તે ધમકાવતો જોવા મળે છે અને ડ્રાઈવર જ્યારે ગાડી આગળ વધારે છે ત્યારે પણ તે યુવક સાથે-સાથે ચાલીને દાદાગીરી કરવાનું ચાલુ રાખે છે. નરોડા પાટિયા પાસે કૃષ્ણનગર, નરોડા અને સરદારનગર એમ ત્રણ પોલીસ મથકોની હદ લાગતી હોવાથી શરૂઆતમાં આ વાન કયા મથકની છે તે અંગે ગૂંચવણ હતી, પરંતુ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાહન સૈજપુર-બોઘાના સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપનું છે.


સામાન્ય બોલાચાલી ઉગ્ર બની

આ ગંભીર ઘટના અંગે ઝોન 4ના DCPએ જણાવ્યું કે, SRPF ગ્રુપ 5ની પ્લાટૂન કમાન્ડોની ગાડીના PSI જ્યારે રાત્રે ચા પીવા માટે ઊભા રહ્યા હતા, ત્યારે બે અસામાજિક તત્વો સાથે તેમને સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાદમાં ઉગ્ર બની ગઈ હતી. આ શખ્સોએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. ઘટના બાદ PSI ત્યાંથી નીકળીને 112ની પોલીસ વાન સાથે ઘટનાસ્થળે પરત ફર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. PSI અન્ય સરકારી કામગીરીમાં વ્યસ્ત હોવાથી તે સમયે તાત્કાલિક ફરિયાદ નોંધી શકાઈ ન હતી.

એક આરોપી ઝડપાયો, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બંને શખ્સો

વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. નરોડા પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, ધાકધમકી અને જાહેરમાં બીભત્સ ગાળો બોલવા અંગેનો ગુનો દાખલ કર્યો છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે કુબેરનગરના રહેવાસી મુખ્ય આરોપી વિપુલ છારાની ધરપકડ કરી લીધી છે. જ્યારે તેના સાથીદાર સૂર્યા ચારણને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા અને ફરાર બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે અગાઉ પણ મારામારી તેમજ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. ઘટના સમયે આરોપીઓ નશાની હાલતમાં હતા કે નહીં તે દિશામાં હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.