Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ધરપકડ

By GS TEAM
1 Oct 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બુધવારે (1 ઓક્ટોબર) ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતૂસનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે હત્યા, ગોળીબાર અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળના ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ધરપકડ

Ahmedabad News : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બુધવારે (1 ઓક્ટોબર) ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતૂસનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે હત્યા, ગોળીબાર અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળના ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ધરપકડ કરી છે.

ગેરકાયદે હથિયારો સાથે બે ઝડપાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવરાત્રિ તહેવાર દરમિયાન અને દિવાળી પહેલા સુરક્ષાના કડક પગલાંના ભાગ રૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચોક્કસ માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરના વતની મોહમ્મદ રશીદ ઉર્ફે ટીપુ સુલતાન (ઉં.વ.30) અને અમદાવાદના સોધનના રહેવાસી અબ્દુલ રફીક ઉર્ફે ટિલી અબ્દુલ હાફીઝ શેખ (ઉં.વ.43)ની ધરપકડ કરી હતી. આ બંનેને શંભુ ટેક્સટાઈલ્સની સામે દાણીલીમડાના કોઝી હોટેલ રોડ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને ચાર જીવતી કારતૂસ જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત રૂ.40,000થી વધુ છે. આર્મ્સ એક્ટની કલમ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ DCB પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં ત્રીજો આરોપી કાનપુરનો રહેવાસી રેહાન અંસારી વોન્ટેડ છે.

આરોપીના ગુનાહિત રેકોર્ડ

કેસ મામલે કેટલાક ખુલાસા સામે આવ્યા છે. જેમાં રાશિદ પર અગાઉ અનેક ગંભીર ગુનાઓ માટે કેસ નોંધાયેલા છે. જેમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં 2013માં આર્મ્સ એક્ટ અને વિસ્ફોટક પદાર્થો કાયદા હેઠળનો કેસ અને ઉત્તર પ્રદેશના ગંગાઘાટ પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપોનો સમાવેશ થાય છે. તેની સામે યુપી ગેંગસ્ટર અને અસામાજિક પ્રવૃત્તિઓ કાયદા હેઠળ કેસ નોંધાયા છે અને તે ડ્રગના વેપાર સાથે જોડાયેલો છે.

જ્યારે અન્ય આરોપી અબ્દુલ રફીકનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જેમાં 2006 થી 2024 દરમિયાન દાણીલીમડા, રાણીપ અને વટવા પોલીસ સ્ટેશનમાં રમખાણો, લૂંટ, આર્મ્સ એક્ટ અને જેલ એક્ટ હેઠળ ઉલ્લંઘનના કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ એકની હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી

પ્રારંભિક તપાસ સૂચવે છે કે, આરોપીઓ અમદાવાદ અને ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતા મોટા નેટવર્કનો ભાગ હતા.  ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે, "બંને આરોપીઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં હથિયારના સપ્લાય સાથે જોડાયેલા છે. હથિયારોની સપ્લાય ચેઇનને શોધવા અને ફરાર આરોપી સહિત અન્ય સહયોગીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.'