અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલાં થયેલી લાખો રૂપિયાની ચોરીની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરાયેલું વાહન અને રોકડ રકમ સહિત કુલ 2.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, આ ઘટના સાતમી એપ્રિલ,2026ના રોજ રાત્રિના સમયે બની હતી. અજાણ્યા શખસો દાણીલીમડા વિસ્તારમાંથી એક મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે, આ મોપેડની ડેકીમાં ફરિયાદીનું પર્સ હતું, જેમાં લાખોની રોકડ રકમ રાખેલી હતી. આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
બાતમીના આધારે ઓપરેશન અને ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનારા શખસો રિવરફ્રન્ટ વિસ્તારમાં ફરી રહ્યા છે. જેના આધારે નવમી એપ્રિલના રોજ સાંજે દાણીલીમડામાં આંબેડકર બ્રિજ પાસે આવેલા ધોબીઘાટ નજીકથી બે શખસોને આંતરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ 29 વર્ષીય જાવેદ ઉર્ફે જાવલા ઉર્ફે રાજા ઐયુબભાઈ ઘોરી અને 24 વર્ષીય અરબાઝ ઉર્ફે દાંતલા ઉર્ફે સોનુ ઇસ્માઇલભાઇ શેખ તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલું એક્ટિવા, 2,05,450 રૂપિયા રોકડા, પર્સ, ચશ્મા અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,50,450નો મુદ્દામાલ રિકવર કરી તેમને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે અને વધુ તપાસ અર્થે તેમને દાણીલીમડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ બંને આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.









