VIDEO: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષથી ફરાર બિશ્નોઈ ગેંગનો સાગરિત ઝડપ્યો, કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ સામેલ હતો
Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી (ઉં.વ.21)ને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ 2022માં ગુજરાત એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નોંધાયેલા આર્મ્સ એક્ટના એક કેસ પછી ક્રાઈમ બ્રાન્ચ તેને શોધી રહી હતી. જો કે, ત્રણ વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા મળી છે.
અમદાવાદમાં પિસ્તોલ વેચવાનો ગુનો નોંધાયો
આ કેસની ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર, 14 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાત ATSએ અમદાવાદના પંચવટી સર્કલ નજીક શિવાલિક કોમ્પ્લેક્સ બહાર રૂપાલાલ ભવરલાલ સાલવીને એક દેશી પિસ્તોલ અને એક જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પિસ્તોલ તેને મનોજ ઉર્ફે ચક્કીએ પૂરી પાડી છે. ત્યાર પછી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ દરમિયાન મનોજ આશરે ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યો હતો, પરંતુ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉદયપુરના હિરણ મગરી, સેક્ટર-14, ગોરધન વિલાસ કોલોનીમાં તેના નિવાસ સ્થાનેથી તેને ઝડપી લીધો છે. હાલ વધુ પૂછપરછ માટે મનોજ ઉર્ફ ચક્કીને એલિસબ્રિજ પોલીસને સોંપી દેવાયો છે.
મનોજ સાવલી સામે 11 ગંભીર ગુના નોંધાયા છે
મનોજ સાલવી એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર, તેની સામે ઓછામાં ઓછા 11 ગુના છે, જેમાં મોટાભાગે સશસ્ત્ર લૂંટ, ગેરકાયદે હથિયારોનો કબજો અને એક હત્યા પણ સામેલ છે. તેની સામે નોંધાયેલા ગુના નીચે પ્રમાણે છે.
- નાઈ પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - આર્મ્સ એક્ટ
- સુખેર પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - લૂંટ
- હિરણ મગરી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - આર્મ્સ એક્ટ, લૂંટ
- હિરણ મગરી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2020) - લૂંટ
- હઠીપોલ પોલીસ સ્ટેશન, ઉદયપુર (2022) - આર્મ્સ એક્ટ
- સમાયપુર બદલી, દિલ્હી (2023) - આર્મ્સ એક્ટ
- બિન્દાપુર પોલીસ સ્ટેશન, દિલ્હી (2023) - આર્મ્સ એક્ટ
- ધનમંડી પોલીસ સ્ટેશન, ઉદયપુર (2023) - આર્મ્સ એક્ટ
- માવલી પોલીસ સ્ટેશન, રાજસ્થાન (2023)- આર્મ્સ એક્ટ
- શ્યામનગર પોલીસ સ્ટેશન (2023) - કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હાઈ-પ્રોફાઈલ હત્યા તેમજ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો. સાલવીને NIA દ્વારા 18 મહિના સુધી અટકાયતમાં રખાયો હતો. બાદમાં તેને જામીન મળ્યા હતા.
- હર્માડા પોલીસ સ્ટેશન, જયપુર (2024) - આર્મ્સ એક્ટ
કોન્ટ્રાક્ટ કિલિંગ જેવા અતિ ગંભીર ગુનામાં સંડોવણી
પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, મનોજ સાલવી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો સાથીદાર છે. આ ગેંગ દેશભરમાં ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ અને હથિયારોની દાણચોરી જેવી હાઈ-પ્રોફાઈલ ગુનાઈત પ્રવૃત્તિમાં સંકળાયેલી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારી આઈ.એન. ઘસુરાએ જણાવ્યું કે, ‘મનોજ સાલવીની ધરપકડ ગુજરાત અને પડોશી રાજ્યોમાં સંચાલિત બિશ્નોઈ ગેંગના નેટવર્કને નષ્ટ કરવાના અમારા પ્રયાસોમાં મહત્ત્વની સફળતા છે. તેનો ગુનાઈત ભૂતકાળ અને હથિયાર સંબંધિત ગુનામાં તેની સંડોવણી સમાજ માટે અત્યંત ખતરનાક છે.’ નોંધનીય છે કે, હાલ મનોજ ઉર્ફ ચક્કી પોલીસ કસ્ટડીમાં છે. હાલમાં જ ગુજરાતમાં નોંધાયેલા ગેરકાયદે હથિયારોની હેરાફેરીના કેસ તેમજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નેટવર્ક અંગે તેની પૂછપરછ કરાય તેવી શક્યતા છે.