Satellite Burglary Case, Ahmedabad : અમદાવાદ શહેરના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં થયેલી કરોડો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે રીઢા તસ્કરોની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1.47 કરોડથી વધુની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા તસ્કરો પૈકી એક શખસ વિરુદ્ધ અગાઉ શહેરના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુના નોંધાયેલા છે.
બંધ મકાનને નિશાન બનાવી લાખોની લૂંટ ચલાવી
ગત 11મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી વચ્ચે માણેકબાગ સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના સભ્યો બહાર ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરો તિજોરીમાંથી રોકડ, સોના-ચાંદી અને હીરાના કિંમતી ઘરેણાં ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.
CCTV અને બાતમીદારોની મદદથી આરોપીઓ ટ્રેસ થયા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે સેટેલાઈટ અને આસપાસના વિસ્તારના સેંકડો CCTV ફૂટેજ તપાસ્યા હતા. શંકાસ્પદ હિલચાલ અને રીઢા ગુનેગારોની પ્રોફાઈલ મેચ થતા પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હતા, જેના આધારે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી.

2 આરોપીની ધરપકડ
કમલેશ ઉર્ફે ગુગો કાંતિભાઈ અસુંદરા-પરમાર (ઉં.વ.29, રહે. અમદાવાદ, મૂળ પાલનપુર)
મેહુલ પરમાર (ઉં.વ.26, રહે. અમદાવાદ, મૂળ ડીસા)
1.47 કરોડનો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રોકડ રકમ: રૂ. 45 લાખ.
સોનાના દાગીના: 2,278.99 ગ્રામ (આશરે 2.2 કિલો, કિંમત રૂ. 1.01 કરોડ).
ચાંદીના દાગીના: 557.4 ગ્રામ (કિંમત રૂ. 50,000).
હીરાના ઘરેણાં: કિંમતી ડાયમંડ જ્વેલરી.
આરોપી 'ગુગો' ઘરફોડ ચોરીનો માસ્ટરમાઈન્ડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે ગુગો રીઢો ગુનેગાર છે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં તેની વિરુદ્ધ સેટેલાઈટ, સાબરમતી, પાલડી, નવરંગપુરા અને ચાંદખેડા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી અને લૂંટના ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જોડીએ શહેરના અન્ય કયા વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો છે.


