Gujarat

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ

By GS TEAM
13 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં માત્ર ત્રણ શાખાઓ ધરાવતી અને હાલ ફડચામાં ગયેલી કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેન્કમાં લોન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ના અહેવાલ મુજબ, રૂ. 55 લાખની એક લોન અરજી પર અરજદારની સહી જ બોગસ હોવાનું સાબિત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ
(AI IMAGE)

Color Merchant Bank Scam Ahmedabad: અમદાવાદમાં માત્ર ત્રણ શાખાઓ ધરાવતી અને હાલ ફડચામાં ગયેલી કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેન્કમાં લોન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ના અહેવાલ મુજબ, રૂ. 55 લાખની એક લોન અરજી પર અરજદારની સહી જ બોગસ હોવાનું સાબિત થયું છે.

65 લાખની લોન સામે બીજી 55 લાખની છેતરપિંડી

હકીકતમાં, જે ગ્રાહકે રૂ. 65 લાખની લોન લીધી હતી, તેના નામે બેન્કે જાણ કર્યા વગર બીજી રૂ. 55 લાખની લોન ઉધારી દીધી હતી. આ છેતરપિંડીનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગ્રાહક કોરોના કાળમાં પાંચ-સાત હપ્તા ભરવાનું ચૂકી ગયા અને બેન્કના અધિકારીઓ રિકવરી માટે તેમની પાસે પહોંચ્યા. ત્યારે ગ્રાહકને જાણવા મળ્યું કે તેમના નામે બીજી મોટી રકમની લોન પણ બોલી રહી છે.

ટોપ-અપ લોનના નામે મસમોટું કૌભાંડ

પોલીસે રજૂ કરેલી ચાર્જશીટ મુજબ, રૂ. 55 લાખની આ રકમ જૂની લોન પર 'ટોપ-અપ લોન' તરીકે દર્શાવવામાં આવી હતી. બેન્કના અધિકારીઓએ અરજદારને એવું જણાવ્યું હતું કે, અગાઉ મોર્ટગેજ મૂકેલા મકાન અંગે રિઝર્વ બેન્ક(RBI)માંથી ક્વેરી આવી છે, તેથી દસ્તાવેજો નવેસરથી કરવા પડશે. આ બહાના હેઠળ તેમણે ગ્રાહક પાસેથી રી-મોર્ટગેજના કાગળો પર સહીઓ કરાવી લીધી હતી. આ મામલે 'સદગુરુ કોટન' નામની કંપની ચલાવતા નીતિન રાજગુરૂએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે આ પ્રકારની કોઈ વધારાની લોન લીધી જ નથી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરી લાખોનો ઉપાડ

પોલીસ ફરિયાદ મુજબ, લોન લેતી વખતે ગેરંટી તરીકે આપેલા બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરીને ગ્રાહકના જાણ બહાર રૂ. 55 લાખનો ઉપાડ કરી લેવામાં આવ્યો હતો. અમદાવાદની કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેન્કમાં આ પ્રકારે છેતરપિંડી થઈ હોય તેવી અત્યાર સુધીમાં અંદાજે 8 ફરિયાદો નોંધાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, બેન્ક દ્વારા અંદાજે 20થી 25 જેટલા ગ્રાહકો સાથે આ પ્રકારનું ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત

બેન્ક કર્મચારીઓના આ કથિત કૌભાંડનો ભોગ બનેલા અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, બેન્કે તેમને મોર્ટગેજ ડીડની નકલ પણ આપી નહોતી. જ્યારે પણ નકલની માંગણી કરવામાં આવતી, ત્યારે 'સમય આવ્યે આપી દઈશું' તેવું કહીને અધિકારીઓ વાત ટાળી દેતા હતા, જેના કારણે આ કૌભાંડ લાંબા સમય સુધી છૂપું રહ્યું હતું.

આ સંદર્ભમાં પોલીસ તરફથી બેન્ક સામે ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવેલી છે. પોલીસ ચાર્જશીટમાં આ કૌભાંડ માટે લાલભાઈ ભુરાભાઈ, કિન્નર શાહ, દશરથભાઈ અને જયંત શાહનો ઓરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે.