બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Child Trafficking Racket Case: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવેલા બાળ તસ્કરી રેકેટમાં તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ કેસની ઊંડી તપાસમાં વધુ બે આરોપીઓ નામ સામે આવ્યા છે. બંને બનાસકાંઠાના દાંતાના રહેવાસી હોવાનું જણાય છે, ત્યારે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બાળ તસ્કરી કેસમાં વધુ 2 નામ સામે આવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા મસમોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં નિઃસંતાન દંપતીઓની સંતાન પ્રાપ્તિની ભાવનાનો દુરુપયોગ કરી લાખો રૂપિયા પડાવતું હતું. આ ટોળકી ખાસ કરીને આર્થિક રીતે સદ્ધર હોય તેવા દંપતીઓને શોધી તેમની પાસેથી 'નોન-રિફંડેબલ' એડવાન્સ રકમ વસૂલતી હતી. અગાઉ પોલીસે ત્રણ એજન્ટ સહિત 4ની ધરપકડ કરી હતી. આ કેસમાં બનાસકાંઠાના દાંતાના રહેવાસી ગોવિંદભાઈ લુમ્બાભાઈ ગમાર અને પ્રભુ દેવરાની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પકડાયેલા આરોપી યુનુસ ખાને આ બંને શખસો પાસેથી જ બાળક મેળવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
અગાઉ પોલીસે વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવ નામના એજન્ટોની ધરપકડ કરી તેમની પાસેથી 15 દિવસનું બાળક છોડાવ્યું હતું. આ સાથે જ બનાસકાંઠાના મુખ્ય સપ્લાયર યુનુસ સિંધિને પણ દબોચી લીધો હતો.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી વંદના પંચાલે યુનુસ પાસેથી આ બાળક રૂપિયા 3.60 લાખમાં ખરીદ્યું હતું. આ બાળકને તે હૈદરાબાદના નાગરાજ નામના વ્યક્તિને રૂપિયા 4 લાખમાં વેચવાનું હતું. મહત્ત્વની વાત એ છે કે, યુનુસ અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનમાં બાળક ઉઠાવવાના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો, જેના કારણે ગોવિંદ અને પ્રભુએ બાળક વેચવા માટે યુનુસનો સંપર્ક કર્યો હતો. આ સોદામાં ગોવિંદ અને પ્રભુની ધરપકડ કરવા અને તેમને કેટલા રૂપિયા મળવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણો કેવી રીતે ચાલતું હતું બાળ તસ્કરીનું રેકેટ
મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું હતું કે આ રેકેટ પ્લાનિંગ સાથે ચાલતું હતું. જેમાં એજન્ટો ગરીબ અથવા મજબૂર માતા-પિતાને શોધી તેમની પાસેથી દોઢેક લાખ રૂપિયામાં નવજાત બાળક ખરીદી લેતી હતી. ત્યારબાદ આ બાળકનું પોષણ કરી, તેના ફોટા પાડી એજન્ટોના ગ્રૂપમાં વાઈરલ કરવામાં આવતા હતા. નિઃસંતાન દંપતી પાસેથી બાળક દીઠ 10થી 15 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. એકવાર સોદો નક્કી થયા પછી દંપતીને બાળક પસંદ ન આવે તો પણ એડવાન્સ પેટે લીધેલી રકમ પરત કરવામાં આવતી નહોતી.









