Gujarat

અમદાવાદમાં બહારથી લાવેલા ખીરાંથી ઢોસા બનાવીને ખાતા બાળકીના મોત મામલે તપાસમાં નવો ખુલાસો

By GS TEAM
8 Apr 20262 mins read
TukuTouch Logo
ઘનશ્યામ ડેરીના સંચાલક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, એક દિવસમાં તેમણે 125 કિલો ખીરૂ વેચ્યું હતું. જે પૈકી માત્ર આ જ આવો કિસ્સો બન્યો. જો ખીરૂ ખરાબ હોત તો અન્ય પણ અનેક કિસ્સા સામે આવવા જોઇતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં બહારથી લાવેલા ખીરાંથી ઢોસા બનાવીને ખાતા બાળકીના મોત મામલે તપાસમાં નવો ખુલાસો
File Photo

Ahmedabad News: શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં તૈયાર ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ એક જ પરિવારની બે માસૂમ બાળકીઓનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં બાળકીઓના માતા-પિતા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે, ત્યારે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત 6ઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગની અસરો વચ્ચે 4 વર્ષની મીશ્રી અને માત્ર અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યાં હતાં.


પોલીસે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો

આ કેસમાં 7મી એપ્રિલના રોજ એક મોટો વળાંક આવ્યો હતો. અઢી મહિનાની બાળકી રાહાને દફનાવી દેવામાં આવી હતી, પરંતુ મોતનું સચોટ કારણ જાણવા માટે ચાંદખેડા પોલીસે FSL ટીમની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. હવે પેનલ પોસ્ટમોર્ટમ દ્વારા તપાસ કરવામાં આવશે કે શું ખરેખર ફૂડ પોઈઝનિંગ હતું કે અન્ય કોઈ કારણ.

આ પણ વાંચો: અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો

FSL રિપોર્ટ પર ટકેલી છે તપાસ

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, અત્યારે પોલીસ મુખ્યત્વે FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે. આઈસીયુમાં સારવાર લઈ રહેલા માતા-પિતાના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. આ ઉપરાંત જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું, ત્યાંથી પણ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા હવે નવા એંગલથી તપાસ શરૂ

પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજ અને સીડીઆર (CDR) ડેટાના આધારે તપાસ કરી રહી છે કે ઘટના પાછળ કોઈ અન્ય શંકાસ્પદ કારણ તો નથી ને? પોલીસ હાલમાં આ કેસને બે પાસાઓથી તપાસી રહી છે. એક સામૂહિક આપઘાતનો પ્રયાસ અને બીજો અકસ્માતે થયેલું મોત (ફૂડ પોઈઝનિંગ). જોકે, ઝેરની હાજરી સીધી રીતે પીએમ રિપોર્ટમાં સામે ન આવતા, હવે સાયન્ટિફિક પુરાવાઓ જ સત્ય બહાર લાવશે. માતા-પિતા ભાનમાં આવ્યા બાદ તેમની પૂછપરછમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

ઘનશ્યામ ડેરીનાં સંચાલકોની સ્પષ્ટતા બાદ પોલીસ તપાસ ફંટાઇ

ઘનશ્યામ ડેરીના સંચાલક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, એક દિવસમાં તેમણે 125 કિલો ખીરૂ વેચ્યું હતું. જે પૈકી માત્ર આ જ આવો કિસ્સો બન્યો. જો ખીરૂ ખરાબ હોત તો અન્ય પણ અનેક કિસ્સા સામે આવવા જોઇતા હતા. જેના પગલે પોલીસે આ મામલો પણ ધ્યાને આવીને અલગ એંગલથી તપાસ શરૂ કરી છે. હવે પોલીસ આપઘાત જેવા એંગલથી તપાસ ચલાવી રહી છે. જેના કારણે સીડીઆર, પરિવાર તથા મિત્રોની પુછપરછ અને બેંક અને ઓફીસમાં પુછપરછ કરીને વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે.