Get The App

અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદનું બાવળા પાણીમાં ડૂબી જતાં તંત્ર સફાળું જાગ્યું, સ્થિતિ વણસ્યા પછી દોડધામ 1 - image


Bavla Flood Crisis: અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ ખાબકતાં બાવળા જળમગ્ન બન્યું હતું. બાવળામાં 5થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બાવળામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ તંત્ર મોડું મોડું જાગ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાથી સમસ્યાના કાયમી ઉકેલ માટે કમર કસવામાં આવી છે. ગાંધીનગર સીએમ કાર્યાલયની સૂચનાથી 3 મામલતદાર, 2 ચીફ ઑફિસર અને 2 એન્જિનિયરને વધારાનો ચાર્જ સોંપાયો‎ છે. ત્યારે બાવળા અને આસપાસના ગામડાઓમાં પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

પાણી નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી

બાવળામાં છેલ્લા કેટલાક દિવસોથી ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ડી-વોટરિંગ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. શહેરમાં 12થી વધુ મોટા પંપ અને 9 જેટલા નાના પંપ 24 કલાક કાર્યરત છે. GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા પણ 5 વોટરપંપ પૂરા પાડવામાં આવ્યા છે, જેનો ઉપયોગ પાણીના નિકાલ માટે કરવામાં આવી રહ્યો છે. પાણીના નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સૂમસામ જગ્યાએ રંગલીને લઇ જવાય નહીં... નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ

સીએમ કાર્યાલયની સૂચનાથી પગલાં

બાવળામાં પરિસ્થિતિ વણસતાં અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ તેમજ આત્મહત્યાની ચીમકી બાદ સીએમ કાર્યાલયે તાત્કાલિક દખલગીરી કરી હતી. પરિણામે, 3 મામલતદાર, 2 ચીફ ઑફિસર અને 2 એન્જિનિયરને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગુરુવાર સવારથી જ તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે અને અધિકારીઓએ લેખિતમાં પાણીના નિકાલની ખાતરી આપી છે.

કાયમી ઉકેલ માટે DPR બનશે

પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હવે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. તમામ ખાતાના 40 જેટલા એન્જિનિયરોની એક ટીમ બનાવવામાં આવશે. આ ટીમ બાવળા અને તેની આજુબાજુના ગામડાંનો સર્વે કરશે. સર્વે બાદ પાણીનો નિકાલ કેવી રીતે અને ક્યાં કરવો, તેમજ ઉપરવાસનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરીને નિકાલ કરવો તે અંગેનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે. આ DPRના આધારે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવામાં આવશે.

Tags :