Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો એક નમૂનો શેલા વિસ્તારમાં જોવા મળ્યો છે. શેલા VIP રોડ પર વીજળીના થાંભલા હટાવવાની તસ્દી લીધા વિના જ તંત્ર દ્વારા ડામર રોડ બનાવી દેવામાં આવ્યો છે. રોડની બિલકુલ વચ્ચે જ વીજ પોલ ઊભા હોવા છતાં કામ પૂરું કરી દેવાતા કોર્પોરેશનની આ અણઘડ કામગીરી અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
આજુબાજુ રોડ અને વચ્ચે થાંભલા
વિગતવાર માહિતી મુજબ, આ રોડ બનાવતા પહેલા મહાનગરપાલિકા અને વીજ કંપની વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન કરવામાં આવ્યું નથી તે સ્પષ્ટ જણાય છે. વીજ પોલ ખસેડવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ ઉતાવળે રોડ તૈયાર કરી દેવાતા હવે આ થાંભલા વાહનચાલકો માટે જીવતું જોખમ બન્યા છે. વ્યસ્ત એવા આ VIP રોડ પર, ખાસ કરીને રાત્રિના સમયે, રોડની વચ્ચે ઊભેલા આ પોલને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની પ્રબળ શક્યતા છે. તંત્રની આ અણઘડ નીતિ અને જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભરશિયાળે હાટકેશ્વરનો વિસ્તાર બેટમાં ફેરવાયો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી હવે જનતા માટે આફત બની છે. બ્રિજ તોડતી વખતે મુખ્ય પીવાની લાઇનમાં ભંગાણ પડવાને કારણે છેલ્લા ત્રણ દિવસથી લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની ઘોર નિદ્રા અને સંકલનના અભાવે આ કિંમતી પાણી જાહેર માર્ગો પર વહીને ગટરમાં જઈ રહ્યું છે. આ વિસ્તારમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે, છતાં ત્રણ દિવસથી કોઈ અધિકારીએ ત્યાં મુલાકાત લેવાની તસ્દી સુધ્ધાં લીધી નથી.
AUDAની કામગીરી પર પણ સવાલો
અત્રે નોંધવું રહ્યું કે, બોપલ-ઘુમા વિસ્તારમાં પણ તંત્ર અવારનવાર આવી ભૂલો કરતું રહે છે. અગાઉ ઘુમા-શીલાજ રેલવે ઓવરબ્રિજનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો, જ્યાં AUDA દ્વારા બ્રિજ તો બનાવી દેવાયો હતો પરંતુ તેના બીજા છેડે રસ્તો જ નહોતો! 80 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના છેડે દીવાલ હોવાથી તેના ઉપયોગ સામે સવાલો ઉઠ્યા હતા.


