Water Pipeline Damage In Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની ચાલી રહેલી કામગીરી હવે જનતા માટે હાલાકી અને બગાડનું કારણ બની છે. બ્રિજ તોડતી વખતે મુખ્ય પીવાની લાઇનમાં પડેલા ભંગાણને કારણે છેલ્લા ત્રણ દિવસથી લાખો લિટર શુદ્ધ પાણીના ફુવારા ઊડી રહ્યા છે. તંત્રની ઘોર નિદ્રા અને સંકલનના અભાવે આ કિંમતી પાણી જાહેર માર્ગો પર વહીને અંતે ગટરમાં વેડફાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દૃશ્યો સર્જાયા
મળતી માહિતી અનુસાર, હાટકેશ્વર સર્કલથી સીટીએમ તરફ જતાં માર્ગ પર ખોખરા સ્મશાનગૃહના ગેટની બિલકુલ સામે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે. બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન થયેલા આ ભંગાણને કારણે ચારથી પાંચ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડી રહ્યા છે. આ રેલો સર્કલથી સીટીએમ રોડ સુધી લગભગ 500 મીટર લાંબો વ્હેણ બનીને વહી રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા જાણે કેનાલમાંથી પાણી છોડ્યું હોય અથવા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. વાહનચાલકો અને રાહદારીઓને પણ આ જળબંબાકાર જેવી સ્થિતિમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
AMCના પાણી વિભાગ અને બ્રિજ તોડતા કોન્ટ્રાક્ટર વચ્ચેના સંકલનના અભાવે આ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. નવાઈની વાત તો એ છે કે, સવારે 6થી 8 વાગ્યા સુધી પાણી છોડવાનો નિયત સમય પૂર્ણ થયા બાદ પણ આ મુખ્ય લાઇનમાંથી પાણીનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. ત્રણ-ત્રણ દિવસથી આટલો મોટો બગાડ થતો હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. એક તરફ લોકોને પાણી બચાવવાના પાઠ ભણાવતું તંત્ર પોતાની જ બેદરકારીને કારણે લાખો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહાવી રહ્યું છે.


