Get The App

અમદાવાદ: ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ, અચાનક પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર 'બ્રેક' લાગી

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ, અચાનક પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર 'બ્રેક'  લાગી 1 - image


Ahmedabad Kharicut Canal: અમદાવાદની ઓળખ સમાન ખારીકટ કેનાલના નવીનીકરણના કામમાં તંત્રના સંકલનનો અભાવ છતો થયો છે. એક તરફ કેનાલને પાકી બનાવવાની કરોડોની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સિંચાઈ વિભાગે અચાનક પાણી છોડતા કોન્ટ્રાક્ટરે અધવચ્ચે કામ રોકી દેવાની ફરજ પડી છે. ખેડૂતોના હિતમાં પાણી છોડાયું તે આવકાર્ય છે, પરંતુ 'શું તંત્રને ખબર નહોતી કે કેનાલનું કામ ચાલુ છે?' તેવા સવાલો હવે ઊઠી રહ્યા છે.

વિકાસ અને જરૂરિયાત વચ્ચે તંત્ર અટવાયું

સિંચાઈ વિભાગ અને કેનાલનું બાંધકામ કરતા વિભાગ વચ્ચે સંકલન હોવું અનિવાર્ય છે. જો પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને પાણીની જરૂર હતી, તો તેનું પૂર્વ આયોજન કેમ ન કરાયું? વસ્ત્રાલમાં ભાવના સ્કૂલ પાસે કેનાલનું કામ પૂરજોશમાં ચાલતું હતું, ત્યારે અચાનક પાણી છોડવામાં આવતા સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. કામગીરીમાં જોડાયેલા ભારે મશીનો અને સાધનો પાણીમાં ડૂબી ન જાય તે માટે યુદ્ધના ધોરણે તેમને કેનાલની બહાર કાઢવા પડ્યા હતા. આનાથી કામમાં વિલંબ થવાની સાથે સરકારી નાણાં અને સમયનો પણ વ્યય થયો છે.

આ પણ વાંચો: બગદાણા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, બે કલાકની પૂછપરછ બાદ SITની કાર્યવાહી

ધારાસભ્યની રજૂઆત બાદ પાણી તો છોડાયું, પણ આયોજન ક્યાં?

દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલે ખેડૂતોની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગને પાણી છોડવા જણાવ્યું હતું. ધારાસભ્યનું પગલું ખેડૂતો માટે રાહત સમાન છે, પરંતુ સવાલ એ છે કે સિંચાઈ વિભાગે કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરને અગાઉથી જાણ કેમ ન કરી? શું તંત્ર પાસે આવી સ્થિતિને પહોંચી વળવા માટે કોઈ 'બેકઅપ પ્લાન' નહોતો?

કામગીરી 2 મહિના સુધી લટકી શકે છે

ધારાસભ્યના જણાવ્યા મુજબ, ખેતી માટે ઓછામાં ઓછા બે મહિના પાણી આપવું પડે તેમ છે. એટલે કે ખારીકટ કેનાલના નવીનીકરણનું કામ હવે બે મહિના સુધી ઠપ્પ થઈ જશે. ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવાની ગણતરી રાખતા તંત્ર માટે આ મોટો ફટકો છે.