અમદાવાદમાં 150 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, કમલ તળાવ પાસે કાર્યવાહી; પરિવારોનું હૈયાફાટ રુદન

Demolition in hmedabad : અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની લાલ આંખ યથાવત છે. અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ ખાતે કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને અંદાજે 150 જેટલા દબાણો તોડી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસારઅમદાવાદના કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ તળાવની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે સવારથી AMC દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે તળાવની આસપાસના આશરે 150 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે.
સ્થાનિકોનો વિરોધ અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી હતી કે તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, જો સરકાર તેમને અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરી આપે તો તેઓ ત્યાં જવા માટે તૈયાર છે, પરંતુ અચાનક છત છીનવાઈ જતાં તેમની હાલત કફોડી બની છે.
ડિમોલિશનની કામગીરી દરમિયાન સંવેદનશીલતા દાખવતા, કમલા તલાવડી વિસ્તારમાં આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર સમા ખોડિયાર માતાના મંદિરને હાલ પૂરતું તોડવામાં આવ્યું નથી. બીજી તરફ, સ્થાનિકોના વિરોધ અને હોબાળાને પગલે સ્થળ પર હાજર પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરાવવા જહેમત ઉઠાવી હતી.
મહિલાઓ અને વૃદ્ધોનું હૈયાફાટ રુદન
સ્થાનિક પોલીસની હાજરીમાં તંત્રએ ઘર પર બુલડોઝર ફેરવતા સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મહિલા, બાળકો, વૃદ્ધો નજર સામે ઘર તૂટતાં જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્થાનિકોની માંગ છે કે સરકાર ઘર તોડી રહી છે તો તેમને રહેવા માટે બીજી વ્યવસ્થા કરવામાં આવે. તળાવની આસપાસ કુલ 150 ઘર તોડવામાં આવ્યા છે. જોકે આ વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવામાં આવશે નહીં.
ડિમોલિશન દરમિયાન એક ખાસ દબાણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું
મંદિરની બાજુમાં આવેલો એક વિશાળ, બે માળનો બંગલો, જેને તળાવ વિસ્તારનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ ગણવામાં આવતું હતું. સ્થાનિકના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બંગલાને તોડવામાં કોર્પોરેશનના દળને સવિશેષ મહેનત કરવી પડી હતી. જોકે, કમલા તલાવડી વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો નથી. તળાવના વિસ્તારમાં આ મંદિર યથાવત્ રાખવામાં આવશે અને તેના ડિમોલિશનની કાર્યવાહી હાલ મુલતવી રાખવામાં આવી છે.

