અમદાવાદમાં હાલ દિવસની 3 સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, 17 વિસ્તારમાં AQI 200થી વધુ

Ahmedabad Air Pollution: શિયાળાએ હજુ જમાવટ કરવાનું શરૂ કર્યું છે ત્યાં જ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે. અમદાવાદમાં શનિવારે (15મી નવેમ્બર) સરેરાશ 160નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. આમ,હવાની ગુણવાાનું આ નબળું સ્તર દિવસની 3 સિગારેટ પીવા સમાન છે.

મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રિના અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વધીને 210 થઈ ગયો હતો. શનિવારે સવારે સૌથી ઓછો 78 જ્યારે રાત્રે 8 વાગે સૌથી વધુ 210નો એક્યુઆઈ નોંધાયો હતો.
નવેમ્બરમાં 12 દિવસ AQI 200થી વધુ
અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવારોને બાદ કરતાં મોટાભાગના દિવસોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી વધુ નોંધાયો હતો. હવે નવેમ્બર મહિનામાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. નવેમ્બરના 15 દિવસમાંથી 12 દિવસમાં AQI 200થી વધુ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
શિયાળામાં ઠંડી વધવાની સાથે વાતાવરણમાં પ્રદૂષક કણો જકડાઈ રહે છે. જેને કારણે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રદૂષણના સ્તરમાં વધુ વધારો થવાની દહેશત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

