'ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી', અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ
Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)નો તપાસ રિપોર્ટ જાહેર થયો છે. જેમાં જણાવ્યું છે કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામી જોવા મળી નથી, જેને એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનરના ક્રેશનું કારણ માનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. 12 જૂને અમદાવાદથી ટેકઓફ થયાના બે મિનિટમાં જ ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના એર ઇન્ડિયાના તાજેતરના ઇતિહાસમાં સૌથી ખતરનાક વિમાન દુર્ઘટના તરીકે વર્ણવવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, FAA એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે વિસ્કોન્સિનમાં આયોજિત એક એવિએશન કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવી રહ્યા હતાં કે, તપાસકર્તાઓને ફ્યુલ સિસ્ટમ યુનિટમાં ખામીના કોઈ સંકેતો મળ્યા નથી. તેમજ ફ્યુલ સ્વિચમાં અનિચ્છનીય હેરફેરના પણ કોઈ પુરાવા મળ્યા નથી. અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે, આ ફ્યુલ કંટ્રોલમાં અજાણતા થયેલી ગરબડનો મામલો નથી. મિકેનિકલ ખામીની કોઈ સંભાવના જોવા મળી નથી.
ફ્યુલ સ્વિચ કટઓફનો રિપોર્ટ
ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અમેરિકાની NTSBની સાથે મળી તપાસ કરી રહ્યું છે. તેના પ્રારંભિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ - જે એન્જિનમાં ફ્યુલના પ્રવાહને નિયંત્રિત કરે છે, તે ટેકઓફ બાદ 'કટઓફ'ની સ્થિતિમાં આવી ગઈ હતી. જેના કારણે એન્જિનમાં ફ્યુલનો સપ્લાય અચાનક બંધ થઈ ગયો હતો. જોકે 10 સેકન્ડમાં સ્વિચ 'રન' સ્થિતિમાં પાછી આવી હતી. પરંતુ એન્જિન સમયસર થ્રસ્ટ પાછું મેળવી શક્યું નહીં.
કોકપિટ રેકોર્ડર પરથી તારણ મેળવાયું
કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને ફ્યુલ સ્વિચની ગતિવિધિ વિશે પૂછે છે, જ્યારે બીજો પાઇલટ તેનો ઇનકાર કરતો હોય તેવું જણાતા તારણ મેળવાયું હતું કે, ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ અથવા અટવાઈ જતાં ફ્યુલ સપ્લાય બંધ થયો હતો. જો કે, તપાસકર્તાઓ હજુ સુધી નક્કી કરી શક્યા નથી કે આ વાતચીત ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કરી હતી કે કેપ્ટન સુમિત સભરવાલ દ્વારા. વિસ્તૃત તારણો હજુ સુધી જાહેર થયા નથી. AAIB તપાસ કરી રહ્યું છે કે માનવ ભૂલ, કોમ્યુનિકેશનના અભાવે અથવા સિસ્ટમ સંબંધિત ખામીને કારણે સ્વિચની ગતિવિધિ બંધ થઈ હતી કે કેમ?
DGCA એ તપાસનો આદેશ આપ્યો
ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 14 જુલાઈના રોજ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત બોઇંગ 787 અને 737 વિમાનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ પર લોકીંગ મિકેનિઝમનું તાત્કાલિક નિરીક્ષણ ફરજિયાત કર્યું હતું. જેના અનુપાલનની છેલ્લી તારીખ 21 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. સ્વિચ કંટ્રોલ સિસ્ટમની તપાસના આદેશ આપ્યા હતાં.
એર ઇન્ડિયાએ તેના તમામ વાઇડબોડી અને નેરોબોડી કાફલાનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે, જેમાં કોઈ અનિયમિતતા નોંધાઈ નથી. બોઇંગ અને FAA એ જણાવ્યું હતું કે લોકીંગ મિકેનિઝમ સહિત વર્તમાન સિસ્ટમ સલામત છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે ડિઝાઇનમાં કોઈ ફેરફારની જરૂર નથી.