VIDEO | અમદાવાદ: પોલીસની કારે અન્ય કારને ટક્કર મારી, જન રક્ષક PCR વેનમાંથી કફ સિરપની 6 બોટલ મળી, ડ્રાઈવરની ધરપકડ

Ahmedabad Accident : અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે (15મી નવેમ્બર) રાત્રે પૂરપાટ ઝડપે આવેલી રહેલી પોલીસની 112 PCR વાને પાર્ક કરેલા વાહનોને ધડાકાભેર ટક્કર મારી હોવાની વીડિયો વાઈરલ થયો છે. અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસ કારચાલક નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ વાનમાં તપાસ કરતાં ગાડીમાંથી છ કફ સિરપ બોટલ મળી આવી હતી. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે PCR વાન ડ્રાઇવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં પોલીસ વાને જ પાર્ક કરેલી કારને ધડાકાભેર ટક્કર મારી
પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર પાર્ક કરેલા વાહનો સાથે પોલીસની 112 જન રક્ષક PCR કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પર પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માતને અંજામ આપનારી PCR વાન સાબરમતી પોલીસ સ્ટેશનની છે. જેના ડ્રાઇવરની ઓળખ યશ પરમાર તરીકે થઈ છે. ઘટના બાદ પોલીસે ડ્રાઈવરને તરત જ કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટના અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 'અમે ડ્રાઇવરની ધરપકડ કરી છે અને PCR વાન વાહનો સાથે કેવી રીતે અથડાઈ તે અંગે વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે. કફ સિરપની જપ્તી સહિત તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. ઘટના સમયે વાનમાં અન્ય કોઈ કર્મચારી હાજર હતા કે કેમ અને ખાતાકીય કાર્યવાહી જરૂરી છે કે કેમ તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.'

