અમદાવાદ પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો, એકસાથે 51 પોલીસ ઈન્સપેક્ટરોની બદલી
150 ઇન્સ્પેક્ટરના સ્ટ્રેન્થમાં ત્રીજા ભાગના ઇન્સ્પેક્ટરો બદલીના હુકમોમાં આવી ગયા
લિવરિઝર્વ માં રહેલા 28 ઇન્સ્પેક્ટરને નિમણૂંક અપાઈ, ત્રણ વર્ષથી એક જ સ્થાને ચોંટેલા ઇન્સ્પેક્ટરોની વિદાય
અમદાવાદઃ શહેરમાં પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરોની બદલીથી સમગ્ર બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે. શહેરમાં કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોમાંથી ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે.
લિવ રિઝર્વમાં રહેલા 28 ઈન્સપેક્ટરોને નિમણૂંક
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશ્નર બન્યા બાદ જી.એસ. મલિકે મોટા પાયે ફેરબદલીનો આદેશ કર્યો છે. શહેરમાં એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરોની બદલી કરી દેતાં સમગ્ર તંત્રમાં સોંપો પડી ગયો છે. તે ઉપરાંત લિવરિઝર્વમાં રહેલા 28 ઈન્સપેક્ટરોને નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે 150 ઇન્સ્પેક્ટરના સ્ટ્રેન્થમાં ત્રીજા ભાગના ઇન્સ્પેક્ટરો બદલીના હુકમોમાં આવી ગયા છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી એક જ સ્થાન પર ચીપકી ગયેલા ઈન્સ્પેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ફોજદારી બદલીનો લીથો બહાર પડશે.