Gujarat

અમદાવાદના ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 150થી વધુ લોકોની તબિયત લથડી

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 400થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. પેટમાં દુઃખાવો થવા સાથે ઝાડા-ઉલટી (ડાયેરિયા અને વોમિટિંગ)ની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 150થી વધુ લોકોની તબિયત લથડી

Food Poisoning at Dholka Wedding: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 150થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. પેટમાં દુઃખાવો થવા સાથે ઝાડા-ઉલટી (ડાયેરિયા અને વોમિટિંગ)ની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

અનેક લોકોને સારવાર હેઠળ ખસેડાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, ખોરાકી ઝેરની અસરના કારણે અસરગ્રસ્ત થયેલા 100 જેટલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ધોળકા અને આસપાસની પાંચ જેટલી અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓને સામાન્ય લક્ષણો જણાતા તેમને દવા આપીને રજા આપવામાં આવી છે. જોકે, જે દર્દીઓમાં બ્લડ પ્રેશર (BP)માં ઘટાડો અથવા ડિહાઈડ્રેશનની વધુ અસર જોવા મળી હતી, તેમને તાત્કાલિક સઘન સારવાર આપવામાં આવી રહી છે. સદભાગ્યે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ચિંતા વ્યાપી છે.

લગ્ન પ્રસંગમાં બન્યો બનાવ

​આ બનાવ ધોળકાના પોપટપરા વિસ્તારમાં રહેતા કાર્તિકભાઈ ઘનશ્યામભાઈ કોળી પટેલના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન બન્યો હતો. આ પ્રસંગમાં અંદાજે 1000 લોકો માટે રસોઈ બનાવવામાં આવી હતી. મહેમાનોએ ભોજન લીધા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ કેટલાક લોકોને અચાનક ઝાડા, ઉલટી અને પેટનો દુખાવો થવા લાગ્યો હતો. ધીમે ધીમે આ અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધતી ગઈ.

આ પણ વાંચો : રાત્રે વૃક્ષો કાપનારી ચિત્રા એજન્સીને AMC રૂ.10 લાખનો ફટકારશે દંડ! વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

ધારાસભ્યએ મુલાકાત લીધી

આ ગંભીર ઘટનાની જાણ થતાં ધોળકાના સ્થાનિક ધારાસભ્ય કિરીટ ડાભી પણ તાત્કાલિક હોસ્પિટલો ખાતે દોડી આવ્યા હતા. તેમણે બીમાર લોકોની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત અંગે પૂછપરછ કરી હતી. ધારાસભ્યએ હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરીને અસરગ્રસ્ત લોકોને ઉત્તમ સારવાર મળી રહે તેની ખાતરી કરી હતી.

દૂષિત ભોજનના નમૂના લેવાયા

​સામૂહિક તબિયત લથડવાની ઘટના બનતા તાત્કાલિક ધોરણે મેડિકલ સહાય માટે દોડધામ શરૂ થઈ હતી. આ ઘટના માટે કયું ભોજન જવાબદાર છે તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લગ્ન સમારોહમાં પીરસવામાં આવેલા શંકાસ્પદ ભોજનના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે ધોળકા, બાવળા, વટામણ અને કાવિઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી 10થી વધુ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી.

​દૂધીનો હલવો શંકાના દાયરા

​પ્રાથમિક તપાસ અને અસરગ્રસ્તોના નિવેદન મુજબ, લગ્ન પ્રસંગમાં પીરસાયેલા ભોજન પૈકી દૂધીનો હલવો ખાવાથી ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ લઈને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પર્દાફાશ