AMC Demolition Drive: અમદાવાદમાં આજ(24 ડિસેમ્બર) રોજ સ્નેહાંજલિ સોસાયટીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ મૂળ માલિકને ફાળવવામાં આવેલા પ્લોટ પર બનેલા 25 આલિશાન બંગલાઓને તોડી પાડવા માટે AMCની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી. આ કાર્યવાહી શરુ થતાં જ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી તંત્રનો વિરોધ કર્યો હતો અને કેટલાક રહીશોએ તો આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ઘટનાસ્થળે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલિશન મુદ્દે હંગામો, ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી
શું છે વિવાદ?
આ વિવાદ વર્ષ 1983થી શરુ થાય છે, જ્યારે જમીનના મૂળ માલિક સિવાયના અન્ય લોકોએ આ પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી બંગલાઓ વેચી દીધા હતા. અહીં વસતા પરિવારોનો દાવો છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી તમામ કાયદેસરના દસ્તાવેજો સાથે અહીં રહી રહ્યા છે. જોકે, આ જમીન મુદ્દે લાંબી કાયદાકીય લડત બાદ અંતે સુપ્રીમ કોર્ટે મૂળ જમીન માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે પ્લોટ પરથી તમામ દબાણો દૂર કરી ખાલી જગ્યા મૂળ માલિકને સોંપવામાં આવે.
25 વિવાદિત બંગલાઓને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ
રહીશોના ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર છતાં, સુપ્રીમ કોર્ટના કડક આદેશનું પાલન કરવા માટે AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ 25 વિવાદિત બંગલાઓને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. દાયકાઓથી વસવાટ કરતાં પરિવારોની દલીલો અને આત્મવિલોપન જેવી ચીમકીઓ છતાં, કાયદાકીય જોગવાઈઓ હેઠળ આખરે આ કિંમતી જમીન પરથી ગેરકાયદેસર ગણાતા બાંધકામો હટાવી દેવામાં આવ્યા છે.


