દારૂબંધીની ઐસી તૈસી : અમદાવાદમાંથી 3 વર્ષમાં 31000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા

Liquar Prohibition in Gujarat : ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોવાની વાત જગજાહેર છે. અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષમાં 31 હજારથી વધુ લોકો દેશી-વિદેશી દારૂ, બીયર સાથે ઝડપાયા છે. ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દારૂના ગુના સૌથી વધુ નોંધાયા હોય તેમાં અમદાવાદ બાદ સુરત શહેર બીજા સ્થાને છે.
દારૂના સૌથી વધુ ગુના નોંધાવવા મામલે અમદાવાદ મોખરે, સુરત બીજા જ્યારે રાજકોટ ત્રીજા સ્થાને
અમદાવાદ શહેરમાંથી 2022-23માં 9441, 2023-24માં 10735 અને 2024-25માં 10836 એમ 3 વર્ષમાં કુલ 31012 કેસ નોંધાયા છે. વર્ષ 2024-25ની સ્થિતિ પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદમાં દરરોજ સરેરાશ 30 વ્યક્તિ સામે દારૂનો ગુનો નોંધાયા છે. 2024-25માં દારૂના સૌથી વધુ ગુના નોંધાયા હોય તેમાં સુરત શહેર 9436 સાથે બીજા સ્થાને છે. આ સિવાય વડોદરા શહેરમાંથી 3356, રાજકોટ શહેરમાંથી 4258 જેટલા કેસ નોંધાયાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ બે દિવસ વાહનો માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાંથી દારૂના ગુના નોંધાવવાનો આ માત્ર સત્તાવાર આંકડો છે. બિનસત્તાવાર રીતે આ આંકડો ખૂબ જ વધારે છે. દેખાદેખી, તણાવ જેવા પરિબળોને કારણે હવે દારૂનું સેવન કરનારાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. 2024-25માં અમદાવાદ જિલ્લામાંથી અન્યત્ર દસક્રોઈમાં 1013, સાણંદમાં 858, ધોળકામાં 761, વિરમગામમાં 488, બાવળામાં 397, માંડલમાં 258, દેત્રોજમાં 254, ધંઘુકામાં 217, અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી 209 જેટલા કેસ નોંધાયેલા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાંથી એક વર્ષમાં નશીલા પદાર્થ સાથે 81 લોકો ઝડપાયા છે. આ સિવાય એક વર્ષમાં જુગારના 1354, લૂંટના 95, હત્યાના 107, બળાત્કારના 301 કેસ નોંધાયાનું સામે આવ્યું છે.