અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં
Waterborne Disease: અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા, જમાલપુર અને દરિયાપુર ઉપરાંત પૂર્વમાં આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના 24 સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા ઉલટી, કમળા ઉપરાંત ટાઈફોઈડ અને કોલેરાના મળી કુલ 1385 કેસ વિવિધ વિસ્તારમાં નોંધાયા હતા.
કોર્પોરેશનના સર્વે પછી આ તમામ વોર્ડને હાઈરિસ્ક ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની લાઈન બદલાતી નહીં હોવાથી લીકેજીસના કારણે લોકો પ્રદૂષિત પાણી પીતા હોવાથી પાણીજન્ય રોગના કેસ વધતા હોવાનુ કારણ આગળ કરાઈ રહ્યુ છે.
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો: ઓગસ્ટમાં 1385 કેસ
ઓગસ્ટ મહીનામાં શહેરમાં ઝાડા ઉલટીના 378, કમળાના 508 અને ટાઈફોઈડના 489 ઉપરાંત કોલેરાના 10 કેસ નોંધાયા હતા. વટવામાં બે, રામોલ-હાથીજણ વોર્ડમાં બે, સરખેજ, બહેરામપુરા, શાહીબાગ તેમજ મકતમપુરા, વસ્ત્રાલ અને ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાયો હતો.
પાણીની જૂની લાઇનોના લીકેજને કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો
હેલ્થ વિભાગ દ્વારા આ તમામ વોર્ડમાં સર્વે પછી એવો દાવો કરાયો છે કે, આ તમામ વોર્ડમાં મોટા ભાગે ચાલી અને શ્રમિક વસાહતો આવેલી છે. જયાં સાંકડી જગ્યા હોવાના કારણે નવી પાણીની લાઈન નાંખી શકાતી નથી. અલગ અલગ સ્પોટ ઉપર પાણીની લાઈનું લીકેજ હોવાના કારણે પાણીજન્યરોગના કેસ વધ્યા છે. હાઈરીસ્ક ઝોનમાં આવેલા સ્પોટ ખાતે પાણીની લાઈન તાકીદે બદલવા ઈજનેર વિભાગને સેન્ય વિભાગ દ્વારા લેખિત જાણ કરાઈ છે.
ફોગિંગ માટે કરોડોનો ખર્ચ છતાં ડેન્ગ્યુ, મલેરિયાના 575 કેસ
શહેરના 48 વોર્ડમાં મચ્છરજન્ય રોગના કેસ નિયંત્રિત કરવા દર વર્ષે ચોમાસામાં કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં ઓગસ્ટ મહીનામાં ડેન્ગ્યુના 385 અને મેલેરિયાના 190 કેસ નોંધાયા હતા. ઉપરાંત ઝેરી મેલેરિયાના 50 તથા ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ
મ્યુનિ. દ્વારા અપાતુ પાણી પીવાલાયક નથી
ઓગષ્ટ મહિનામાં વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામા આવતા પાણીના 6439 સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી 102 સેમ્પલ પીવા લાયક નહતા. કલોરીન ટેસ્ટ માટે 45,262 સેમ્પલ પાણીના લેવાયા હતા. આ પૈકી 28 સેમ્પલનો કલોરીન રિપોર્ટ નીલ આવ્યો હતો.