વારંવાર ડાઉન થઈ રહ્યું છે કૃષિ સહાયની વેબસાઇટનું સર્વર! ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેંકરા ગામ જે ગીરના જંગલની સરહદને અડીને આવેલું છે, ત્યાંના ખેડૂતો હાલમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નેટ કનેક્ટિવિટી અને સર્વર ડાઉન રહેવાની સમસ્યાને કારણે ખેડૂતોને દિવસે ફોર્મ ભરવું મુશ્કેલ બન્યું છે, જેને કારણે રાત્રે ઉજાગરા કરવાની ફરજ પડી છે.
સર્વર ડાઉન થતાં ફોર્મ ભરવામાં મુશ્કેલી
સરકાર દ્વારા ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ ફોર્મ ભરવાની ઓનલાઇન પ્રક્રિયામાં ટેકનિકલ અગવડો સામે આવી છે. ભેંકરા ગામમાં દિવસ દરમિયાન સર્વર સતત ડાઉન રહે છે. એક ફોર્મ ભરવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે, અને અચાનક સર્વર ડાઉન થતાં એરર આવી જાય છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.
દિવસ દરમિયાન કામગીરી ન થતી હોવાથી, ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રે ચાલુ રાખવામાં આવી છે.
રાત્રે તાપણાં કરીને ફોર્મ ભરવાનો મલમરૂપી પ્રયાસ
કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ ગ્રામ પંચાયતમાં એકઠા થઈ રહ્યા છે. ખેડૂતોને અગવડ ન પડે તે માટે V.C. (વિલેજ કમ્પ્યુટર ઑપરેટર) દ્વારા મોડી રાત સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. ખેડૂતો ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેસી રહે છે અને પોતાના ફોર્મ ભરાવવાની રાહ જોઈ રહ્યા છે. આ રીતે V.C. કર્મચારીઓ પણ ખેડૂતોની વેદના પર મલમરૂપી કાર્ય કરી રહ્યા છે.
ભેંકરા ગામમાં કુલ 389 જેટલા ખેડૂત ખાતેદારો છે. જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા કૃષિ સહાય ફોર્મ ભરાઈ ગયા છે. બાકીના ફોર્મ પણ આ રીતે રાત્રે જાગીને ભરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતો સમયસર સહાયનો લાભ લઈ શકે.

