Gujarat

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના

By GS TEAM
2 Dec 20251 min read
મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી  સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના

  અમદાવાદ,મંગળવાર,2 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પુરી થયા પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર  લે તેવી પ્રબળ સંભાવના હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હસ્તક માત્ર બે ફેઝમાં ડેવલપમેન્ટ કરાશે.જે પછી સંત સરોવર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી સરકાર દ્વારા કરવામા આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, વર્ષ-૧૯૯૭માં સૌ પ્રથમ વખત સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરવા સાબરમતી રિવરફ્રન્ટ ડેલવપમેન્ટની રચના કરવામા આવી હતી.જે પછી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ફેઝ-વન અને હાલમાં ફેઝ-ટુ અંતર્ગત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફના રોડ જાન્યુઆરી-૨૬ સુધીમા બની જશે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી સરળતાથી થઈ શકે એ માટે જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદી કીનારે ઝૂંપડા બાંધી રહેનારાઓને ખસેડી શહેરના વિવિધ વિસ્તારમા આવેલ આવાસ યોજનામા આવાસ ફાળવી ખસેડયા હતા. સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર સોંપવા માટે પ્રાથમિક સ્તરે વાટાઘાટો થઈ હોવાનુ તેમજ કોર્પોરેશનને નદીમાંથી ઝૂંપડા ખસેડવા સહિતની અન્ય બાબતોને ધ્યાનમા લઈ  વળતર મળવુ જોઈએ એ પ્રકારનો મુદ્દો પણ આગળ કરવામા આવી રહયો છે. ટૂંકમા બધુ સમુસુતરૃ પાર પડશે તો કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર હસ્તક જાય તેવી પ્રબળ સંભાવના વ્યકત કરાઈ રહી છે.