Get The App

સુરતમાં દલાતર વાડી જેવો વહીવટ, માત્ર બેન્ચીસ જ નહીં સ્કૂલ જ આપી દીધી

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં દલાતર વાડી જેવો વહીવટ, માત્ર બેન્ચીસ જ નહીં સ્કૂલ જ આપી દીધી 1 - image


સુરતની પ્રજાની લાંબા સમયથી સરકારી કોલેજની માંગણી પુરી કરવા માટે સરકારે મોટા ઉપાડે લિંબાયતમાં સરકારી કોલેજની જાહેરાત કરી હતી. જોકે, સરકારે જગ્યાની ફાળવણી કરી ન હોવાથી ભાજપ શાસકોએ ગરીબ વિદ્યાર્થીઓના ભોગે આ કોલેજનો વિકાસ શરૂ કર્યો હતો તે હજી પણ ચાલી રહ્યો છે. ઈશ્વરની સ્કૂલ માં ચાલતી કોલેજને હવે ભાઠેના ખાતે નવી સુમન સ્કૂલ શરૂ કરવામાં આવી છે ત્યાં શિફ્ટ કરવામાં આવી છે.  પાલિકાએ ગરીબ વિદ્યાર્થીઓ માટે સુમન સ્કૂલ શરુ કરી છે પરંતુ હવે આ સ્કૂલનો કેટલોક ભાગ પણ સરકારી કોલેજ માટે આપી દેવામાં આવ્યો છે. જેના કારણે ભવિષ્માં ગરીબ વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવી ભીતી વ્યક્ત કરવામા આવી રહી છે. 

સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં સતત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે હાલમાં 1.90 લાખ વિદ્યાર્થીઓ પાલિકાની શાળામાં અભ્યાસ કરે છે. સમિતિની શાળામાં વિદ્યાર્થીઓ વધી રહ્યાં હોવાથી વર્ગખંડની અછત પડી રહી છે. તો બીજી તરફ ભાજપ શાસકોએ વગર વિચાર્યે મોટા નેતાઓને ખુશ કરવા માટે લિંબાયત ઝોનમાં ઈશ્વરનગર ખાતેની પાલિકાની શાળાના ઓરડા ફાળવી દેવાનો નિર્ણય કર્યો હતો.લિંબાયત ઈશ્વર નગરમાં પાલિકાની શાળામાં ચાર મરાઠી  અને બે ગુજરાતી શાળા બે પાળીમાં ચાલે છે અને તેમાં આઠેક હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે તેમ છતાં ભાજપ શાસકોએ એક બે નહીં પરંતુ 14 ઓરડા (વર્ગખંડ) કોમર્સ અને આર્ટસ કોલેજ માટે ફાળવી દીધા હતા ભારે વિવાદ બાદ  અહીથી હાલ સરકારી કોલેજ શિફ્ટ કરવામા આવી છે.

જોકે, ભાજપ શાસકોએ ગરીબ વિદ્યાર્થીઓના ભોગે જ સરકારી કોલેજનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો હોય તેમ શાળાની બેન્ચીસ પણ કોલેજને ફાળવી દીધી અને તે લઈ જવામાં પણ આવી છે.  બેન્ચીસ લઈ જવામા આવી તેનો અનેક લોકોએ વિરોધ કર્યો છે પરંતુ જ્યાં કોલેજ શિફ્ટ કરવામા આવી છે તે પણ ગરીબ વિદ્યાર્થીઓના ભોગે સરકારી કોલેજનો વિકાસ કરાયો છે. હાલમાં ભાઠેના વિસ્તારમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સુમન સ્કુલ નંબર 21 અને 25 શરુ કરવામા આવી છે. પરંતુ આ કોલેજમાં હાલ વર્ગ ઓછા છે તેમ જણાવીને સરકારી કોલેજ માટે આખો માળ ફાળવી દેવામા આવ્યો છે. આમ બેન્ચીસ બાદ સુમન સ્કુલનું બિલ્ડીંગ પણ સરકારી કોલેજ માટે ફાળવી દેવામા આવ્યું છે. 

આ પણ વાંચો: સુરતમાં સરકારી શાળાના બાળકોની બેન્ચો ઉપાડીને કોલેજના સ્ટુડન્ટ્સને આપી દીધી, વાલીઓ ભડક્યાં

સરકારી કોલેજની જવાબદારી સરકારની છે સરકાર અને મોટા નેતાઓએ મોટા ઉપાડે સરકારની કોલેજની જાહેરાત કરી વાહ વાહ મેળવી છે પરંતુ હવે ગરીબ બાળકો અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓના શિક્ષણ નો ભોગ લેવાઈ રહ્યો છે તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી.  પાલિકા કેમ્પસમાં પાલિકાની શાળાના વિદ્યાર્થીઓના ભોગે સરકારી કોલેજ ચાલે છે. ગરીબ વિદ્યાર્થીઓના ભોગે સરકારી કોલેજનો વિકાસ થઈ રહ્યો છે તેના કારણે આગામી દિવસોમાં વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. 

Tags :