વેસુમાં લૂંટ બાદ અન્ય મસાજ પાર્લરમાં યુવતીઓને છરો બતાવી લૂંટનો વિડીયો વાયરલ
સુરતમાં સ્પા-મસાજ પાર્લરમાં લૂંટફાટ કરતી ટોળકી સક્રિય : વેસુમાં સોમવારે જ પાર્લરમાં છરાની અણીએ લૂંટ થઇ હતી
જોકે, વિડીયો પુણાના જે પાર્લરનો હોવાની શક્યતા હતી તે બંધ મળ્યું
સુરત,તા.21 જુલાઈ 2020, મંગળવાર
સુરતના
વિવિધ વિસ્તારમાં સ્પા-મસાજ પાર્લરમાં લૂંટફાટ કરતી ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગે છે.
વેસુમાં ગતરોજ છરાની અણીએ લૂંટ કરનાર ટોળકીએ જ પુણા વિસ્તારમાં પણ એક સ્પા-મસાજ પાર્લરમાં
લૂંટ કરી હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પુણા પોલીસે તપાસ શરૃ કરી હતી. જોકે, ભોગ બનનાર પોલીસ સમક્ષ ન આવતા પોલીસે જે મસાજ પાર્લરની આશંકા છે ત્યાં તપાસ
કરી હતી પરંતુ તે બંધ મળ્યું હતું.
પોલીસ
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રુંગટા શોપીંગ
સેન્ટરમાં આવેલા સ્પા-મસાજ પાર્લરમાં ગત બપોરે 20 થી 25 વર્ષના ચાર
અજાણ્યાએ છરાની અણીએ સ્પા સંચાલકને બાનમાં લઈ મોબાઈલ ફોન, દાગીના
અને રોકડ મળી કુલ રૃ.28,600 ની મત્તાની લૂંટ કરી હતી.
દરમિયાન, આ રીતે જ પુણા પોલીસ મથકની હદમાં એક સ્પા-મસાજ
પાર્લરમાં યુવતીઓને છરો બતાવી લૂંટ કરતા બે યુવાનનો એક વિડીયો આજે સોશ્યલ
મીડિયામાં વાયરલ થયો હતો. આજે વાયરલ થયેલા વિડીયોમાં અને ગતરોજ વેસુમાં લૂંટ કરનાર
યુવાનો પૈકી એક યુવાન સરખો જ નજરે ચઢતા સુરતમાં સ્પા-મસાજ પાર્લરમાં લૂંટફાટ કરતી
ટોળકી સક્રિય થઇ હોવાની ચર્ચા થવા માંડી હતી. લૂંટ કરતા યુવાને વેસુમાં જે ટીશર્ટ
પહેર્યું હતું તે જ ટીશર્ટ પહેર્યું હોય બનાવ ગતરોજનો જ હોવાનું લાગતું હતું. આ વિડીયો
અંગે પુણા પોલીસને જાણ થતાં તપાસ શરૃ કરી હતી.
પુણા પોલીસે તેમના વિસ્તારમાં સ્પા-મસાજ પાર્લરમાં તપાસ કરતા મોટાભાગના બંધ હતા અને જે ચાલુ હતા તેમાંથી કોઈએ લૂંટની ઘટના બની હોવાનું જણાવ્યું ન હતું. પોલીસને જે સ્પા અંગે આશંકા હતી તે પરવત પાટીયા વિસ્તારમાં આવેલા એક સ્પા-મસાજ પાર્લરમાં પણ તપાસ કરી હતી. પરંતુ તે બંધ હતું.