34 વર્ષ બાદ નવા ગ્રાહક સુરક્ષા ધારાનો અમલ 20મી જુલાઈથી થશે
ભ્રામક જાહેરાત બદલ સેલેબ્રિટી પર કાનુની સકંજામાં લેતા
નવા ગ્રાહક સુરક્ષા ધારાના પગલે ગ્રાહક સેવામાં ખામી બદલ વધુ શક્તિશાળી બની લડત આપી શકશેઃજિલ્લા કમિશનમાં હવે 20 લાખને બદલે 1 કરોડની દાદ માંગી શકાશે
સુરત,તા.17 જુલાઈ 2020 શુક્રવાર
આજથી 34 વર્ષ પહેલાં એટલેકે 1986માં અમલમાં આવેલા જુના ગ્રાહક સુરક્ષા ધારાને બદલે
આગામી 20મી જુલાઈના રોજ કેન્દ્ર સરકારે બંને ગૃહમાં પસાર કરાવેલા નવા ગ્રાહક
સુરક્ષા ધારાનો અમલ શરૃ થશે.જે અંગે સુરત જિલ્લા ગ્રાહક કોર્ટમાં કાર્યરત
પ્રેકટીશ્નરર્સ દ્વારા નવા ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને પોતાના હિતોને વધુ સારી
રીતે કાનુની પીઠબળ મળી રહે તેવા પ્રત્યાઘાત આપ્યા છે.
નવા ગ્રાહક સુરક્ષા ધારા-2019નો અમલ આગામી તા.૨૦મી જુલાઈથી કરવામાં આવી રહ્યો છે.જે અંગેનુ નોટીફિકેશન જારી કરવામાં આવતા છેલ્લાં 34 વર્ષોથી એટલેક 1986માં અમલમાં આવેલા જુના ગ્રાહક સુરક્ષા ધારાને બદલે નવા ગ્રાહક સુરક્ષા ધારા-2019નો અમલવારી શરૃ થશે.
નવા ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઈ અંગે સુરતમાં ગ્રાહકોને પોતાના કાનુની હક્કોના મુદ્દે જાગૃત્તિ લાવનાર શ્રેયશ દેસાઈએ જણાવ્યુ ંહતું કે નવા ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઈથી ગ્રાહક પોતાના હિતોની લડતને વધુ મક્કમતાથી લડત આપી શકશે.જુના ગ્રાહક કાયદા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં માત્ર 20 લાખ સુધી,સ્ટેટ કમિશનમાં20 લાખથી 1 કરોડ સુધી તથા નેશનલ કમિશનમાં 1 કરોડ સુધીની દાદ માંગવાની મર્યાદા હતી.જો કે નવા કાયદાથી હવે જિલ્લા કમિશનમાં જ 1 કરોડની દાદ માંગી શકાશે.પરંતુ 10 કરોડથી વધુ વળતરની માંગ હોય તો નેશનલ કમિશન દિલ્હી ખાતે જવું પડશે.
તદુપરાંત નવા કાયદામાં અગાઉ ફરિયાદનું કારણ જે સ્થળે ઉત્પન્ન થયું હોય તે જિલ્લામાં જ ફરિયાદ કરવી પડતી હતી.જે અંગે પ્રાચી તથા ઈશાન દેસાઈએ જણાવ્યું હતું કે નવા કાયદામાં ગ્રાહક પોતે જે જગ્યાએ રહેતો હોય તે જિલ્લાના ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી શકે છે.જેથી ગ્રાહકને ફરિયાદનું કારણ ઉત્પન્ન થયું હોય તે જિલ્લામાં ફરિયાદ કરવાની અસુવિધાનો પ્રશ્ન નવા કાયદામાં હલ થયો છે.વધુમાં કંપની વેપારીઓ ઘણીવાર સેલેબ્રેટીના સ્ટેટસનો ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટ માટે ગેરમાર્ગે દોરવતી જાહેરાત કરીને ગ્રાહકોને આકર્ષતા હતા.પરંતુ નવા ગ્રાહક સુરક્ષા ધારા-2019માં આ પ્રકારની ભ્રામક જાહેરાત કરતાં સેલબ્રીટી કે બ્રાન્ડ એમ્બેસેડર સામે પણ કાનુની કાર્યવાહી થઈ શકશે.નવા ગ્રાહક સુરક્ષા ધારામાં ઈ કોમર્સ સંબંધી ફરિયાદ,ઈ-ફાઈલીંગ સંબધિત જોગવાઈ હોઈ ગ્રાહકોના હિતોના રક્ષણ માટે નવી આશાનું કિરણ પ્રગટે તેવો મત વ્યક્ત કર્યો છે.