Gujarat

કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

By GS TEAM
21 Nov 20251 min read
કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

વડોદરા : ૧૩ વર્ષની કિશોરીને ભગાડી જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપીને કસૂરદાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.અદાલતે આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, સંજય ઉર્ફે ભાણીયો ગણપતભાઇ તડવી (રહે.લોટીયા ગામ, તા.સંખેડા) નામનો શખ્સ ૧૩ વર્ષની કિશોરીને ભગાડી ગયો હતો અને તેણે વારંવાર કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે દિવસે આરોપી કિશોરીને ભગાડી ગયો તે દિવસે ફરિયાદી તેમજ તેના પતિ કોઇ કામ માટે બીજા ગામ ગયા હતા અને કિશોરી તેના દાદા-દાદીના ઘેર હતી. સવારે દાદા-દાદીને જાણ થઇ હતી કે, પૌત્રી ઘરે નથી એટલે આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે બનાવમાં સંડોવાયેલા આરોપી સંજય તડવીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકાર તરફે સરકારી વકીલ પી.સી.પટેલે દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપીને કસૂરદાર ઠેરવી ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો તેમજ ભોગ બનનારી પીડિતાને વળતર પેટે રૃા.૩ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.