71 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીના જામીન રદ
અગાઉ ત્રણ એનડીપીએસ એક્ટના ભંગના ત્રણ ગુનામાં ઝડપાયેલા આંધ્રવાસી આરોપીના જામીનની માંગને કોર્ટે ફગાવી
સુરત,તા.16 જુલાઈ 2020 ગુરુવાર
રૃ.71 લાખની કિંમતના ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા મૂળ આંધ્રપ્રદેશના વતની તથા અગાઉ આ પ્રકારે ત્રણેક ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીનની માંગને આજે અરજન્ટ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને નકારી કાઢી છે.
કામરેજ પોલીસ મથકના ફરીયાદી પીઆઈએ બાતમીના આધારે તા.2-2-2020ના રોજ ઓલપાડ તાલુકાના કુડસદ ગામની સીમમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટી-3ના મકાનમાં તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન મૂળ આંધ્રપ્રદેશના ગંજામ જિલ્લાના વતની આરોપી ડમરુ ઉર્ફે દામોદાર કાશીનાથ પ્રધાન (રે.રિવર વ્યુ એપાર્ટમેન્ટ,વરાછા) સહિત અન્ય વોન્ટેડ આરોપીઓના મેળા પિપણામાં કુલ રૃ.71.82 લાખની કિંમતના ગાંજાના જથ્થાનો સંગ્રહ કરતાં ઝડપાઈ ગયા હતા.જેથી આરોપી ડમરુ પ્રધાન તથા અજીત બહેરાની એનડીપીએસ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી ગ્રામ્ય પોલીસે જેલભેગો કર્યો હતા.જ્યારે અન્ય વોન્ટેડ આરોપી ગગન નાહક, અરવિંદ, તોફાન સ્વાઈન પોલીસ પહોંચથી દુર રહેવામાં સફળ રહ્યા છે.
હાલમાં આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ડમરુ પ્રધાને જામીન માંગતા સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી અગાઉ આ પ્રકારના ત્રણેક ગુનામાં ઝડપાઈ ચુક્યો હોઈ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.આરોપીને જામીન આપવાથી પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં હાજર ન રહે કે ફરીથી આ પ્રકારના ગુના આચરે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી છે.