Get The App

વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત 1 - image


Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં 25 વર્ષથી ફરાર હત્યાના એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. ઉત્તર પ્રદેશથી ઝડપી લવાયેલા  60 વર્ષીય નિરાલા પ્રસાદે લોકઅપમાં જ જીવન ટૂંકાવી લેતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

25 વર્ષ જૂનો હત્યાનો ગુનો અને આરોપીની ધરપકડ

મળતી માહિતી અનુસાર, 16મી એપ્રિલ 2000ના રોજ વડોદરા-સાવલી રોડ પર અંકિતા સ્ટીલ કંપની નજીક આવેલી ગટરમાંથી એક મહિલાની સળગી ગયેલી લાશ મળી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી નિરાલા પ્રસાદે તેની પત્નીની કેમિકલ છાંટી સળગાવીને હત્યા કરી હતી અને લાશને કોથળામાં ભરી ગટરમાં ફેંકી દીધી હતી. આ ગુના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. તાજેતરમાં જ વડોદરા પોલીસે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.

ધરપકડ બાદ આરોપી નિરાલા પ્રસાદને ભાદરવા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેણે કસ્ટડીમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ભાદરવા પોલીસ મથકે પહોંચી ગયા હતા. હાલ  મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જેથી મૃત્યુના ચોક્કસ સમય અને કારણની જાણકારી મળી શકે.

આ પણ વાંચો: ભરુચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત

વડોદરામાં કસ્ટોડિયલ ડેથની બીજી ઘટના

નોંધનીય છે કે, વડોદરામાં લોકઅપમાં આપઘાતની આ બીજી ઘટના છે. અગાઉ શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા રમેશ વસાવા નામના શખ્સે સ્વેટરની દોરી વડે લોકઅપના શૌચાલયમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બંને ઘટનાઓએ પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદીઓની સુરક્ષા અને નિરીક્ષણ સામે સવાલો ઊભા કર્યાં છે.