Get The App

ભરુચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભરુચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત 1 - image


Godhara News : પોલીસમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું લઈને આવેલા છોટાઉદેપુરના વધુ એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે. પંચમહાલના ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5 ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા 27 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. હૃદયદ્રાવક વાત એ છે કે, આ સમગ્ર ઘટના તેના પિતાની નજર સામે જ બની, જેઓ પોતાના દીકરાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં હાજર હતા.

આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો.

દીકરાને મેદાન પર પડતો જોઈને તેને પ્રોત્સાહિત કરવા આવેલા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. જશપાલસિંહને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતાની આંખો સામે જ પુત્રનું મોત થતાં તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા, અને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘટનાની જાણ થતાં ગોધરા એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચમાં પણ પોલીસ ભરતીની દોડ દરમિયાન એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની તબીબી તપાસ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.