મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયા, પોલીસે કરી અટકાયત
Junagadh News : જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માતની ઘટનામાં એક રાહદારીનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કાર હતી. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ કારનો ઘેરાવો કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસ ઘટનાસ્થળે આવીને કારમાં ચેક કરતાં કારમાં બેઠેલા અધિકારી-ડ્રાઈવર નશાની હાલતમાં હતા. તેમજ કારમાંથી દારુ-બિયરનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મેંદરડા નજીક ખોરાસા-અણીયાળા વચ્ચે અકસ્માતના બનાવમાં મૂળ લુસાડા ગામના રહેવાસી સુભાષ કાનાભાઈ ડાંગર (ઉં.વ.29)નું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં વંથલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક યુવકને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને તેના પરિવારે જાણ કરી હતી.
આ પણ વાંચો: ખેડામાં તલાટીની ગેરવર્તણૂકઃ આકરણીના પ્રશ્ન માટે પહોંચેલા અરજદાર સાથે કરી ઉદ્ધતાઈ
કુતિયાણા પાણી પુરવઠા બોર્ડની સરકારી ગાડીમાં દારુ-બિયર મળી આવી છે અને આરોપી નશાની હાલતમાં હતા. સરકારી વાહનોમાં બેઠેલા અધિકારી-ડ્રાઈવરે રાહદારી યુવકને ભયંકર ટક્કર મારતાં મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે બંને વ્યક્તિની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.