અમદાવાદમાં બેફામ દોડતી કારનો 'આતંક': બે એક્ટિવાને મારી ટક્કર, બે લોકો ગાડી નીચે દબાયા, કારચાલક પોલીસ હવાલે
Accident in Kubernagar Ahmedabad : અમદાવાદમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના કુબેરનગરમાં પૂર ઝડપે આવતી કારે બે એક્ટિવાને ભયંકર ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બે લોકો કાર નીચે દબાયા હતા, આમ ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને પોલીસ કારચાલક અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
બે એક્ટિવાને મારી ટક્કર
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આજે રવિવારે (14 સપ્ટેમ્બર) સાંજે કુબેરનગરના બંગલા વિસ્તાર પાસે કારચાલકે બે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતના બનાવની ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, અકસ્માત બાદ કારના બોનેટ નીચે એક વ્યક્તિ ફસાયેલી હાલતમાં છે.
સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બંગલા વિસ્તારથી સૈજપુર-બોઘા તરફ જતા રસ્તા પર બની હતી. વિશાલ અશોકભાઈ મોટવાણી નામનો યુવક એક્ટિવા પર જઈ રહ્યો હતો, ત્યારે પૂર ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. આ પછી અન્ય વાહન ચાલકોને કારે ટક્કર મારી હતી. ઘટનામાં ત્રણેયને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોએ કારચાલકને પકડી રાખ્યો
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ટક્કર બાદ વિસ્તારના રહેવાસીઓ ઝડપથી એકઠા થઈ ગયા હતા અને કારચાલકને પકડી પાડ્યો હતો. પછી કારચાલકને પોલીસને હવાલે કર્યો હતો. કારચાલકની ઓળખ ભરત શાહ તરીકે થઈ છે, જે શાહીબાગનો રહેવાસી છે અને નવરંગપુરામાં એક ટ્રસ્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.
કારની તપાસ દરમિયાન પોલીસે બે સ્પ્રે કેન અને પીળા પ્રવાહીવાળી બોટલ મળી આવી હતી, જેને ચેકિંગ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવી છે. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ભરત શાહ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.