Accident in Anand: આણંદના વાસદ-બોરસદ હાઈવે પર આવેલા અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક ટક્કર બાદ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 2 લોકોના જીવતા ભડથું થતાં કરુણ મોત નિપજ્યાં છે.
પીકઅપ વાનનું સમારકામ ચાલતું હતું
પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે પીકઅપ વાન રોડની વચ્ચે બગડી ગઈ હતી અને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રક ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ બંને વાહનોમાં ગણતરીની મિનિટોમાં જ ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે વાહનોમાં હાજર 2 લોકો આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતની ગજબ ઘટના! અમદાવાદમાં 35 વર્ષે સોસાયટી ગેરકાયદે જાહેર, 25 પરિવાર પર આફત
પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માત અને આગને કારણે વાસદ-બોરસદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે તાત્કાલિક દૂર કરીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.
હાલ પોલીસે હાલમાં બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


