Accident Incident In Vadodara : વડોદરા શહેરમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં બે માસુમના મોત નીપજ્યા છે. જેમાં કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયર બ્રિગેડના ટેન્કરે અકસ્માત સર્જતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘટના મકરપુરા વિસ્તારમાં ઘટી હતી. આ બનાવમાં 6 વર્ષની બાળકીનું કરૂણ મોત નીપજ્યું. બંને બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રીજી એક હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.
કારેલીબાગમાં ફાયરબ્રિગેડના ટેન્કરની નીચે આવી જતાં 10 વર્ષીય બાળકનું મોત
મળતી માહિતી મુજબ, વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકીમાંથી પાણી ભરવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરે રોડ પર ઊભેલા શ્રમજીવી પરિવારના બાળકને કચડી નાખતા મોત થયું હતું. મૂળ ખેડાના દિલીપભાઈ રાયસંગભાઈ તળપદા પરિવાર સાથે હાલમાં વડોદરા કારેલીબાગ પાણીની ટાંકી પાસે ફૂટપાથ પર બેસી શેરડીનું વેચાણ કરે છે અને ત્યાં જ પડાવ નાખીને રહે છે. આજે(19 જાન્યુઆરી) બપોરે પોણા બે વાગ્યે તેમનો 10 વર્ષનો બાળક દિપક ટાંકી પાસે રમતો હતો. આ દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકીમાંથી પાણી ભરવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરના ચાલકે બેદરકારી પૂર્વક ટેન્કર રિવર્સ લેતા ટેન્કરના પૈડા બાળકના માથા પર ફરી વળતા બાળકનું મોત થયું હતું.

ત્યારબાદ ટેન્કર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. કુંભારવાડા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. ઘટનાસ્થળ પરથી માર પડવાના ડરે ભાગી ગયેલો ટેન્કરચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. બાળકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર બનાવ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માણેજા વિસ્તારમાં અક્સમાતમાં 7 વર્ષીય બાળકીનું મોત
બીજી એક અકસ્માતની ઘટના માણેજા વિસ્તારમાં બની હતી. જેમાં પિતા સાથે બાઈક પર જઈ રહેલી 7 વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બાઈક ચાલક તેની દીકરીને શાળાએથી લેવા ગયા હતા, ત્યારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કાર રોડ પરથી પસાર થતા બાઈક ચાલક સાથે અથડાઈ હતી. જેના કારણે બાઈક પર સવાર પિતા, પુત્રી રોડ પર ફંગોળાઈને પડતા તેઓને ઇજા થઈ હતી.
અકસ્માતની ઘટનાને લઈને નજીકમાં ઊભેલા રિક્ષા ચાલક દોડી આવીને ઈજાગ્રસ્ત પિતા, પુત્રીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાઈક ચાલક ચેતન ઘનશ્યામભાઇ સોલંકી (રહે. શિવબાનગર, માણેજા) તથા તેમની 6 વર્ષની પુત્રી જીયાનને સયાજી હોસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે બાળકીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ચેતનભાઈને ડાબી આંખ પર ઈજા થઈ હતી. ચેતનભાઇ પુત્રીને સ્કૂલેથી લેવા ગયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. બંને કારના ચાલકને કડક સજાની માગ સાથે પરિવારે લાશ લઈ જવાનો ઈનકાર કર્યો હતો. સમગ્ર મામલે માંજલપુર પોલીસે અકસ્માત સર્જનાર બંને કારચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોત્રી તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત
શહેરના ગોત્રી તળાવ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બની હતી. જેમાં વાહન ચાલકે ચાલીને જતી મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. આ મામલે ગોત્રી ગાયત્રીનગર સામે ભૂમિ રેસિડેન્સીમાં રહેતા મૃતક મહિલાના પતિ રામનયન પ્રજાપતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, "મારી પત્ની અમ્રિતા 18 જાન્યુઆરીની રાત્રે 9 વાગ્યે ગોત્રી તળાવ પાસે કામ માટે ગઈ હતી. તે ચાલીને જતી હતી, ત્યારે એક વાહન ચાલકે ટક્કર મારતા અમ્રિતાને ડાબા હાથના ખભા, પાંસળી તથા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ પછી તાત્કાકિલક અમ્રિતાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ અમ્રિતાનું મોત થયું હતું." સમગ્ર મામલે ગોત્રી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


