Ahmedabad News: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટર ખાતે આધાર કાર્ડ કઢાવી આપવાના બહાને રૂ.32,000ની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
એસીબીના જણાવ્યા અનુસાર, આ કેસમાં ફરિયાદ કરનાર 36 વર્ષીય વ્યક્તિને લોન લેવા માટે તાત્કાલિક આધાર કાર્ડની જરૂર હતી. જોકે, તેમની પાસે આધાર કાર્ડ માટે અનિવાર્ય એવું જન્મનું પ્રમાણપત્ર નહોતું.
નિયમ મુજબ જન્મના દાખલા વગર નવું આધાર કાર્ડ નીકળી શકે નહીં, પરંતુ સિવિક સેન્ટરના સ્ટાફ દ્વારા એવી લાલચ આપવામાં આવી હતી કે જો તેઓ પૈસા આપે, તો જન્મના દાખલા કે એલ.સી. (LC) વગર પણ કાર્ડની પ્રક્રિયા 'મેનેજ' કરી આપવામાં આવશે. આ કામ માટે આરોપીઓએ કુલ રૂ. 32,000ની માંગણી કરી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે, સૌ પ્રથમ ભાગ્યેશ સોલંકી નામના શખ્સે લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ જય પંચોલી અને સંદીપ નામના શખ્સોએ આ રકમ સ્વીકારી હતી. ફરિયાદ મળતા જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આ ત્રણેય શખ્સોને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
એસીબી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે 2023 પછી અમલી બનેલા નવા નિયમો મુજબ, માન્ય જન્મ પ્રમાણપત્ર વગર આધાર કાર્ડ ઇશ્યૂ કરવું ગેરકાયદેસર છે. છેતરપિંડી અને દુરુપયોગ રોકવા માટે સરકારે દસ્તાવેજોની ચકાસણીના નિયમો ખૂબ જ કડક બનાવ્યા છે.
એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર હરેશ મેવાડાએ જણાવ્યું હતું કે, સરકારી સેવાઓના નામે નાગરિકોનું શોષણ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ કૌભાંડમાં અન્ય કોઈ અધિકારીઓ કે એજન્ટો સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.


